Western Times News

Gujarati News

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક અકસ્માતઃ ૨ લોકોના બળી જતા મોત

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર 26મી જુલાઈ, 2026 ના રોજ વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક બે આઇસર ટ્રક વચ્ચે સર્જાયેલા ધડાકાભેર અકસ્માત બાદ ભીષણ આગ ફાટી નીકળતાં બે લોકોના કેબિનમાં જ ફસાઈ જવાથી જીવતા ભૂંજાઈ જતાં કરૂણ મોત નીપજ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગોધરા તરફથી પૂરઝડપે આવી રહેલી કેમિકલ ભરેલી આઈસર ટ્રકે હાઈવેની સાઈડમાં ઉભેલી અન્ય એક ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ કેમિકલના જ્વલનશીલ પદાર્થને કારણે ભયાનક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.

આગની ચપેટમાં આવી ગયેલી કેમિકલ ભરેલી ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર કેબિનમાં ફસાઈ જવાના કારણે બંને લોકો જોતજોતામાં આગમાં જીવતા ભૂંજાયા હતા. બીજી તરફ, પાછળથી વાગેલી ટક્કર અને આગના કારણે બીજી ટ્રકમાં રહેલો પ્લાયવુડનો જથ્થો પણ બળીને ખાખ થઈ ગયો હતો, જોકે તે ટ્રકના મુખ્ય ભાગને વધુ નુકસાન પહોંચ્યું ન હતું.

વહેલી સવારે અકસ્માતનો સખત ધડાકો સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. બનાવની જાણ થતાં જ લીમખેડા અને દેવગઢ બારિયા ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

લીમખેડા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી ટ્રકને ખસેડી કેબિનમાંથી બંને મૃતદેહોને બહાર કાઢી પંચનામું કર્યું હતું અને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયેલા ટ્રાફિક જામને પણ પોલીસે જહેમતપૂર્વક હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

પોલીસે ક્રેનની મદદથી ટ્રકને સીધી કરાવી કેબિનમાં ફસાયેલા બંને મૃતદેહોને બહાર કાઢી પંચનામું કર્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયેલા ટ્રાફિક જામને પણ પોલીસે જહેમતપૂર્વક હળવો કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.