Western Times News

Gujarati News

મધરાત્રિએ ચાઠા ગામમાં દીપડાનો આતંકઃ ત્રણ બકરાંનો કર્યો શિકાર

(પ્રતિનિધિ) ગોધરા, ઘોઘંબા તાલુકાના ચાઠા ગામમાં શનિવારે મધરાત્રિ દરમિયાન દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવી પશુઓ પર હુમલો કરતાં ત્રણ બકરાંનો શિકાર કર્યો હતો. આ ઘટનામાં બે બકરાંના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે એક બકરાને દીપડો ઢસડીને જંગલ તરફ લઈ ગયો હતો. ઘટનાના પગલે સમગ્ર ગામમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, રાત્રે આશરે ૧૨થી ૧ વાગ્યાના સમયગાળા દરમિયાન દીપડો એક પશુપાલકના મકાન નજીક પહોંચ્યો હતો અને ત્યાં બાંધેલા બકરાં પર અચાનક હુમલો કર્યો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થાય તે પહેલાં જ દીપડાએ બે બકરાંનું મારણ કરી દીધું હતું અને ત્રીજા બકરાને ખેંચીને જંગલ તરફ ભાગી ગયો હતો. આ બનાવમાં પશુપાલકને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચાઠા ગામ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર જોવા મળી રહી છે. તેમ છતાં વન વિભાગ દ્વારા અસરકારક પગલાં લેવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની, રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની તેમજ પીડિત પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. જંગલ વિસ્તારને અડીને આવેલા ગામોમાં માનવ અને વન્યજીવો વચ્ચેનો વધતો સંઘર્ષ ચિંતાજનક બન્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.