દેશમાં વધતી શ્રીમંતોની સંખ્યા, ૫૭૬ ધનિકોની આવક રૂ. ૧૦૦ કરોડથી વધુ
આવકની અસમાનતાઃ શહેરો-ગામડામાં મજૂરો વધ્યા
આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં અબજોપતિ ચાર ગણા વધ્યા ઃ ૨૦૨૦-૨૧માં ૧૪૨ કરોડપતિઓ હતા
નવી દિલ્હી, આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં ૫૭૬ લોકોએ પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધારે કુલ આવક બતાવી છે. આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષાેમાં ચાર ગણી વધી છે.કેન્દ્રીય નાણા મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં પ્રધાન પંકજ ચૌધરીએ એક પ્રશ્રનાં જવાબમાં આ માહિતી આપી હતી. પ્રશ્ર પૂછવામાં આવ્યો હતો કે શું સરકારને ખબર છે કે દેશમાં અબજપતિઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઇ છે અને બાબતમાં ભારત વિશ્વનાં અગ્રણી દેશોમાં સામેલ છે.ચૌધરીએ જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ એક્ટ, ૨૦૨૫ અથવા જૂના ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧માં અબજપતિ શબ્દની કોઇ કાયદાકીય પરિભાષા નથી.
જો કે આકારણી વર્ષ ૨૦૨૫-૨૬માં ફાઇલ કરવામાં આવેલા ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર)માં ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધારે આવક બતાવનારા લોકોની સંખ્યા ૫૭૬ હતી. આ સંખ્યા ૨૦૨૦-૨૧માં ૧૪૨ હતી એટલે કે પાંચ વર્ષાેમાં આ સંખ્યા ચાર ગણી વધી છે.૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધારે આવક બતાવનારાઓની કુલ સંખ્યા ૨૦૨૨-૨૩માં ૩૦૧ હતી. જે આકારણી વર્ષ ૨૦૨૩-૨૪માં ઘટીને ૨૮૪ થઇ ગઇ હતી. જો કે આકારણી વર્ષ ૨૦૨૪-૨૫માં આ સંખ્યા વધીને ૪૧૫ થઇ ગઇ હતી.
સરકારને વધુ એક પ્રશ્ર કરવામાં આવ્યો હતો કે આવક અને સંપત્તિનાં વધતા જતાં કેન્દ્રીકરણની આવક અસમાનતા, રોકાણ, રોજગાર નિર્માણ અને સમાવિષ્ટ આર્થિક વિકાસ પર થતી અસર અંગે સરકારે કોઇ અભ્યાસ કર્યાે છે કે નહીં?આ પ્રશ્રનાં જવાબમાં ચૌધરીએ જણાવ્યું હતું કે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) અહેવાલ દર્શાવે છે કે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં શ્રમ બજારો કોવિડ પહેલાનાં સ્તરથી આગળ વધી ગયા છે.૧૫ વર્ષ અને તેથી વધુ ઉંમરનાં વ્યકિતઓ માટે બેકારીનો દર ૨૦૨૨માં ૩.૬ ટકાથી ઘટીને ૨૦૨૫માં ૩.૧ ટકા થયો છે.SS1
