Western Times News

Gujarati News

Ahmedabad: કાલુપુરમાં જર્જરિત મકાન કડડભૂસ, એક મહિલાનું મોત, પુરુષ સારવાર હેઠળ

અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલ કાલુપુરના ડબગર વાસમાં એક મોટી હોનારત બની છે. મંગળવાર તા. 28-07-2026ના રોજ વહેલી સવારે જ્યારે સમગ્ર વિસ્તાર ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે ડબગર વાસમાં આવેલું એક અત્યંત જૂનું મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું.

સ્થાનિકના જણાવ્યા અનુસાર, મકાનમાં બે લોકો વસવાટ કરતા હતા. ચોમાસાના ભેજ અને સતત વરસાદના કારણે જૂનું બાંધકામ બેસી જતાં વહેલી સવારે આખું મકાન કડડભૂસ થઈને જમીનદોસ્ત થયું હતું.

અચાનક મકાન તૂટી પડતાં અંદર સૂતેલા બંને લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સ્થાનિકો અને ફાયર બ્રિગેડે તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંનેને બહાર કાઢ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે 55 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત પુરુષને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાને કારણે એક ટેમ્પો અને એક ઓટો રીક્ષાને નુકશાન થયું છે, ઉપરાંત સ્થાનિક રહેવાસીઓને આવવા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે.

અત્રે નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોન દ્વારા આ મકાનને અગાઉ જ ભયજનક જાહેર કરીને નોટિસ આપવામાં આવી હતી. છતાં યોગ્ય તકેદારી અને સમારકામના અભાવે આ દુર્ઘટના સર્જાઈ છે.

શહેરમાં છેલ્લા માત્ર બે જ દિવસમાં બે જૂના અને ભયજનક મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવતાં કોટ વિસ્તારમાં રહેતા હજારો નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા આવા જોખમી બાંધકામો સત્વરે ખાલી કરાવવાની માગણી ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.