‘ઈ૨૦ જનતા પાર્ટી’ નામના એક નવા જૂથની રચના
પેપર લીકના વિવક્માં ટેક્સી સંગઠનો તથા સામાન્ય લોકોનો ઈ-૨૦ અંગેનો અસંતોષ બાજુ પર ધકેલાઈ ગયો હતો
હવે ઈ-૨૦ પેટ્રોલના વિરોધમાં ચાર ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારી
નવી દિલ્હી,દિલ્હીમાં જંતર-મંતર પર ૩૬ દિવસના લાંબા વિદ્યાર્થી અને જેન-ઝી આંદોલન પછી હવે વધુ એક આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પેપર લીક પછી હવે કોકરોચ જનતા પાર્ટીથી પ્રેરિત થઈને ‘ઈ૨૦ જનતા પાર્ટી’ નામના એક નવા જૂથ અને ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ ટેક્સી ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોના સંગઠને ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલની માગ સાથે ચાર ઓગસ્ટે સંસદ ઘેરવાની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકારે હવે દેશમાં ઈ૨૦ પેટ્રોલ એટલે કે ૨૦ ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને સ્ટાર્ડર્ડ પેટ્રોલ બનાવી દીધું હોવાથી લોકો પાસે ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલનો કોઈ વિકલ્પ રહ્યો નથી, જેના કારણે સામાન્ય લોકોના ટુ-વ્હિલર અને ફોર વ્હિલરને ભારે નુકસાન થઈ રહ્યું છે. સરકારની ઈ-૨૦ પેટ્રોલ નીતિનો લાંબા સમયથી સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો હતો.
જોકે, પેપર લીકના વિવક્માં ટેક્સી સંગઠનો તથા સામાન્ય લોકોનો ઈ-૨૦ અંગેનો અસંતોષ બાજુ પર ધકેલાઈ ગયો હતો.પેપર લીક આંદોલન સફળતાપૂર્વક પૂરું થતા હવે ઈ-૨૦ પેટ્રોલના વિરોધમાં જંતર-મંતર પર કાર અને બાઈક માલિકોના એકત્ર થવાની હાકલ કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ટુરિસ્ટ પરમિટ (એઆઈટીપી) ટેક્સી ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોના સંગઠને ઈ-૨૦ પેટ્રોલની નીતિઓ, વાહનોના માઈલેજમાં થઈ રહેલો ઘટાડો અને આકરા નિયમોના વિરોધમાં ચાર ઓગસ્ટે સંસદ માર્ચની જાહેરાત કરી છે.એઆઈટીપી સંગઠનના અધ્યક્ષ સંજય સમ્રાટ અને અન્યોએ ટ્રાન્સપોર્ટરોની સમસ્યાઓ મીડિયા સામે રજૂ કરી હતી. આ સમયે તેઓ વિરોધના પ્રતીકરૂપે હાથમાં શેરડીના સાંઠા લઈને દેખાવો કર્યા હતા.
એસોસિએશનના અધ્યક્ષ સંજય સમ્રાટે કહ્યું કે ઈ-૨૦ ઈંધણથી વાહનોના માલિકો અને ડ્રાઈવરની મુખ્ય ફરિયાદો નોંધાવી હતી.તેમણે દાવો કર્યાે કે ઈ-૨૦ના કારણે વાહનોનું માઈલેજ ઘટી ગયું હોવાની અને એન્જિનના મેઈન્ટેનન્સનો ખર્ચ વધી જવાની ફરિયાદો આખા દેશમાંથી ઊઠી રહી છે. સંગઠને માગ કરી છે કે આ નીતિની નિષ્પક્ષ અને સ્વતંત્ર વૈજ્ઞાનિક સમીક્ષા કરવામાં આવે, જેમાં વાહન માલિકો, ગ્રાહક અધિકાર જૂથો, વાહન ઉત્પાદકો અને ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે. સંગઠને તેમની છ મુખ્ય માગણીઓ રજૂ કરી છે. આ સાથે એસોસિએશને દેશના અન્ય ટેક્સી, કેબ અને ટ્રક સંગઠનોને આ દેખાવોમાં જોડાવા હાકલ કરી હતી.
બીજીબાજુ કોકરોચ જનતા પાર્ટીથી પ્રેરિત ઈ-૨૦ જનતા પાર્ટી પણ ૨૦ ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહી છે. તેમની માગ સીધી છે. સરકારે ઈ૨૦ ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ લોકો માટે ફરજિયાત કર્યું છે તેના બદલે જનતાને ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ આપવા માગ કરી છે. સીજેપીની જેમ ઈ૨૦ જનતા પાર્ટી પણ નાગરિકોના નેતૃત્વવાળું ગ્રાહક અધિકાર આંદોલન છે. આ પક્ષની માગ છે કે ટુ-વ્હિલર અને કારો પર પ્રયોગો કરવાના બદલે ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલ આપવું જોઈએ. ઈ-૨૦ જનતા પાર્ટીના એક્સ પર અંદાજે ૧૩,૦૦૦થી વધુ અને ઈન્સ્ટાગ્રામ પર અંદાજ ૮,૮૦૦થી વધુ ફોલોઅર્સ જોડાઈ ગયા છે.SS1
