Western Times News

Gujarati News

ડાંગરની રોપણી વખતે જ વિજળી પડતાં એક મહિલાનું મોત

પ્રતિકાત્મક

પંચમહાલના શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા એક મહિલાનું કરૂણ મોત, બે મહિલા ઈજાગ્રસ્ત
અમદાવાદમાં વરસાદને પગલે કુલ ૭નાં મોત

(એજન્સી)શહેરા, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. શહેરા તાલુકાના નાંદરવા ગામે ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલી મહિલાઓ પર અચાનક વીજળી ત્રાટકતા એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે.

નાંદરવા ગામના બામણીયા ફળિયામાં આવેલા બે અલગ-અલગ ખેતરોમાં ડાંગરનું ધરું રોપવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક આકાશમાંથી વીજળી પડી હતી. ખેતરમાં કામ કરી રહેલાં સંતોષબેન, ઝાજમબેન અને શારદાબેન નામના મહિલાઓ વીજળીની ચપેટમાં આવી ગયા હતા. આ આકાશી આફતમાં સંતોષબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાને ગંભીર અને એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, તેમની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ડાંગરની રોપણી વખતે જ બનેલી આ કમનસીબ ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ જિલ્લામાં ગત ૨૩મી જુલાઈથી શરૂ થયેલો ભારે વરસાદ ૨૭મી જુલાઈ સુધી અવિરતપણે વરસી રહ્યો છે. સતત ચાર દિવસથી વરસી રહેલા આ વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

વરસાદી આફત અને તેને લગતી દુર્ઘટનાઓમાં જિલ્લામાં ૭ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૮ પશુઓના પણ મોત નીપજ્યાં છે. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી અનુસાર, જિલ્લાના નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ ૨,૩૮૧ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પાણીમાં ફસાયેલા ૪૩૬ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.