અરવલ્લીના ૨૬ ઔદ્યોગિક એકમોમાં શ્રમ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ
કોરોના સંક્રમણથી બચવા આરોગ્ય વિભાગની ગાઇડલાઇન અનુસરવા ઔદ્યોગિક એકમોને સૂચન
સાકરિયા અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળતા લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યા હતા પરંતુ અનલોક-૨ ના અમલ પછી અરવલ્લી જિલ્લા અને મોડાસા શહેરી વિસ્તાર મળી કુલ ૫૭૧થી વધુ નાના-મોટા ઔધોગિક એકમો ધમધમતા થયા છે પરંતુ તેની સાથે તેમને કોરોના સંક્રમણને અટકાવવા એકમના સ્થળે સેનેટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તથા ફરજીયાત માસ્કનો ઉપયોગ થાય છે કે નહિ તેની શ્રમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
કામદારોને કામના સ્થળે તેમના સ્વાસ્થ્યની દરકાર રખાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સુચનાઓ અમલી બનાવી છે જેનો અમલ અરવલ્લીના ઔધાગિક એકમોમાં થાય છે કે નહિ તેની તપાસ ગાંધીનગરના શ્રમ વિભાગ દ્વારા હાથ ધરાઇ હતી, જેમાં શ્રમ વિભાગની બે ટીમો દ્વારા મોડાસાના જીઆઇડીસી તેમજ બાયડ, ધનસુરા અને ભિલોડાના મળી કુલ ૨૬ ઔધોગિક એકમોની સ્થળ મુલાકાત કરી હતી,
જયાં કોરોનાના સંક્રમણથી બચવા ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો કામના સમયે માસ્ક અને હેન્ડ ગ્લવ્ઝ ઉપયોગ તથા કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન થાય છે કે કેમ તેની રૂબરૂ તપાસણી કરવામાં આવી. વધુમાં કામના સ્થળે હાથ ધોવાની વ્યવસ્થા અને સ્થળનું સમયાંતરે સેનેટાઈઝેશન થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી અને કામદારોની આરોગ્ય વિષયક સેવાઓને સુનિશ્ચિત કરી હતી