Western Times News

Gujarati News

ખેડૂતોએ વડાપ્રધાન મોદીના માતા હિરાબાને પત્ર લખ્યો

ખેડૂતોએ પત્રમાં ભાવનાત્મક મુદ્દાઓને રજૂ કર્યા-ખેડૂતોએ પોતાના પુત્રને સમજાવે જેથી બીજાનું ભલું થાય તેવી અપીલ કરીઃ ત્રણ કાયદા નાબૂદ કરવા પણ રજૂઆત

અમદાવાદ,  ખેતી કાયદાને નાબૂદ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પોતાની વાતનું કોઈ સમાધાન ના આવતા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના ઘરનો દરવાજાે ખખડાવ્યો છે. ખેડૂતોએ હીરાબાને ભાવુક પત્ર લઈને વિનંતી કરી છે. ખેડૂતોએ આગ્રહ કર્યો છેકે જે વિષયને લઈને આંદોલન ચાલી રહ્યું છે તેના વિશે તેઓ ખેડૂતોની વાત તેમના દીકરા સુધી પહોંચાડે.

ખેડૂતોએ વડાપ્રધાનના માતાને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે, તેઓ પોતાના દીકરાને ખેતીને લગતા ત્રણ કાયદા નાબૂદ કરવા માટે કહે, જેના કારણે દેશમાં એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોએ પત્રમાં આશા વ્યક્ત કરી છે કે તેઓ પીએમ નરેન્દ્ર મોદીને પોતાનું મન બદલવા માટે તમામ સારી શક્તિઓનો ઉપયોગ એક માના રુપમાં કરશે.

રિપોર્ટ્‌સ મુજબ પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગામ ગોલુના મોઢના રહેવાસી હરપ્રીત સિંહે હિન્દીમાં લખેલા પત્રમાં લખ્યું છે કે, તેમણે લગભગ ૧૦૦ વર્ષના હીરાબાને અપીલ કરી છે અને તેમાં કેટલાક ભાવનાત્મક મુદ્દાઓને રજૂ કર્યા છે. તેમણે હવામાનની સ્થિતિ, જે રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કાયદાને નાબૂદ કરવાની માંગ, દેશમાં ભૂખ દૂર કરવા માટે ખેડૂતોનું યોગદાન અને દેશની સરહદો સુરક્ષિત રાખવામાં તેમનું યોગદાન જેવા મુદ્દાની ચર્ચા ચિઠ્ઠીમાં કરાઈ છે.

હરપ્રીતે પત્રમાં લખ્યું છે કે, “હું આ પત્રને ભારે મન સાથે લખું છું, જેમ કે તમે જાણતા હશો કે દેશ અને દુનિયાને ખવડાવનારા અન્નદાતા ત્રણ કાળા કાયદાને કારણે કડકડતી ઠંડીમાં દિલ્હીના રસ્તા પર ઊંઘવા મજબૂર બન્યા છે. જેમાં ૯૦-૯૫ વર્ષના વૃદ્ધો સિવાય બાળકો અને મહિલાઓ પર જાેડાઈ છે. કડકડતી ઠંડી લોકોને બીમાર બનાવી રહી છે.

ત્યાં સુધી કે લોકો શહીદ થઈ રહ્યા છે, જે અમારા બધા માટે ચિંતાનું કારણ છે.” તેમણે આગળ એ પણ લખ્યું છે કે, દિલ્હીની સરહદો પર શાંતિપૂર્ણ આંદોલન ત્રણ કાળા કાયદાના કારણે થયું છે, જે અદાણી, અંબાણી અને અન્ય કોર્પોરેટ્‌સના ઈશારા પર ચાલી રહ્યું છે.

નોંધનીય છે કે હરપ્રીત પણ એ ખેડૂતોમાંથી એક છે કે જેઓ લગભગ ૨ મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી એક છે. સરકાર સાથે ઘણી વખત વાતચીત થઈ છે પરંતુ કોઈ સફળતા મળી નથી. ખેડૂતોના આંદોલનના કારણે ૭૫ કરતા વધારે પ્રદર્શનકારીઓના જીવ ગયા છે, જેમાંથી ઘણાંએ આત્મહત્યા કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.