Western Times News

Gujarati News

LAC પર ઘર્ષણ: ચીનના 20 જવાન ઘાયલ, સેનાના જાંબાઝ જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી, ઇસ્ટ લદ્દાખમાં લાઇન ઑફ કન્ટ્રોલ (એલઓસી ) નજીક ભારતીય લશ્કર અને ચીની સૈનિકો વચ્ચે ફરી એક છમકલું થયું હોવાના અહેવાલ હતા.

ત્રણેક દિવસ પહેલાં ચીની સૈનિકોએ સિક્કીમના કૂલા વિસ્તારમાં સરહદે અટકચાળું કર્યું હતું. તેમણે ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતાં ભારતીય જવાનોએ તેમને ખદેડી કાઢ્યા હતા.

કૂલામાં થયેલી અથડામણમાં ચાર ભારતીય જવાનો અને વીસ ચીની સૈનિકોને ઇજા થઇ હોવાના અહેવાલ હતા. ભારતીય જવાનોએ ચીની સૈનિકોને ઘુસણખોરી કરતાં અટકાવીને ખદેડી કાઢ્યા હતા.

ભારતીય લશ્કરના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ ભારતીય સરહદના તમામ વિસ્તારોમાં માઇનસ ત્રીસ ડિગ્રી જેવું અતિ કાતિલ હવામાન હોવા છતાં આપણા જવાનો આંખમાં તેલ આંજીને ચોકી કરી રહ્યા હતા.

ભારતીય વિસ્તારમાં ઘુસવાના ચીની સૈનિકોના પ્રયાસના પગલે ફરી એકવાર સરહદ પર તંગદિલી સર્જાઇ હતી, ભારતીય જવાનો વધુ સાબદા થઇ ગયા હતા. ચીન એક બાજુ શાંતિ માટે વાટાઘાટો કરે છે. વાટાઘાટોના નવમા તબક્કામાં પંદર કલાક ચર્ચા ચાલી હતી જેનો કોઇ નક્કર નિવેડો આવ્યો નહોતો.

કાતિલ હવામાનના પગલે એક તરફ ચીને ઇસ્ટ લદ્દાખમાંથી પોતાના 10 હજાર જવાનોને  હટાવ્યા હતા. ઇસ્ટ લદ્દાખ ઉપરાંત સિક્કીમ વિસ્તારમાં પણ ચીને પોતાના સૈનિકો ઘટાડ્યા હતા. પરંતુ હજુ તેના કેટલાક જવાનો આ વિસ્તારમાં હોવાથી ભારતીય લશ્કરના જવાનો સતત સાવધ રહ્યા હતા.

આ સંઘર્ષનો આરંભ ગયા વર્ષના જૂનની 15મીએ ચીને ગલવાન ખીણ વિસ્તારમાં કરેલી ઘુસણખોરી પછી થયો હતો. એ સમયે પણ ચીની અને  ભારતીય સૈનિકોમાં અથડામણ થઇ હતી. ત્યારથી સતત આ વિસ્તારમાં ટેન્શન પ્રવર્તી રહ્યું હતું. ચીન સતત આક્રમક રહ્યું છે. એક તરફ વાટાઘાટનો ડોળ અને બીજી બાજુ સતત અટકચાળા અને ઘુસણખોરીના પ્રયાસ. ચીન બેવડાં ધોરણે રમી રહ્યું હતું.

જો કે ચીન તરફથી કોરોના વાઇરસ વહેતા થયા હોવાના અહેવાલોથી હાલ લગભગ આખી દુનિયા ચીનની વિરુદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.