Western Times News

Gujarati News

રાજ્યના વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને મૂલ્ય આધારિત શિક્ષણ સાથે  સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડવા જોઈએ- રાજ્યપાલ

રાજભવન ખાતે રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓની બેઠક યોજાઇ

રાજ્યના વિવિધ વિશ્વવિદ્યાલયોમાં વિધાર્થીઓને પાઠયક્રમના માધ્યમથી મૂલ્ય આધારિત શિક્ષણ સાથે સમાજમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડવા જોઈએ તેમ, રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ રાજભવન ખાતે યોજાયેલી વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ગુજરાતની યુનિવર્સિટીઓની કામગીરીની સમીક્ષા કરતાં કહ્યું હતું કે, યુનિવર્સિટીઓની વિવિધ કોલેજોમાં વર્ષ દરમ્યાન સમાજના પ્રેરણાદાયી વ્યક્તિઓનું સંબોધન તેમજ સંવાદ યોજવો જોઈએ જેથી કરીને તેમના સમાજ ઉપયોગી કાર્યોથી વિદ્યાર્થીઓને કંઈક સારું કરવાની પ્રેરણા મળશે. રાજ્યની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓના શિક્ષણમાં વધુ ગુણવત્તા અને પ્રવેશ પ્રક્રિયામાં વધુ ઝડપ લાવવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. શ્રી કોહલીએ એમ પણ કહ્યું હતું કે આજના યુગમાં ગુણવત્તાયુક્ત અને  સમાજની જરૂરિયાત મુજબના રિસર્ચ ઉપર ભાર મુકવાની તાતી જરૂરિયાત છે.

આ પ્રસંગે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓના હિતમાં કરેલા નવીન સફળ પ્રયાસોની રાજ્યપાલશ્રીએ પ્રશંસા કરીને રાજ્યના વિદ્યાર્થીઓને વધુ ને વધુ ગુણવત્તાયુક્ત ઉત્તમ શિક્ષણ  મળી રહે તે માટે ઉપસ્થિત સૌ કુલપતિશ્રીઓને અનુરોધ કર્યો હતો.

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ રાજ્યપાલશ્રીના માર્ગદર્શનને મૂલ્યવાન લેખાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓની કામગીરી અને વિવિધ ક્ષેત્રે દેખાવ અંગે જે  વિમર્શ થયો તેમાં હજુ પણ વધુ ગુણાત્મક સુધારણાની દિશામાં સામૂહિક પ્રયાસોની જરૂરિયાત છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યાં પણ કંઈક ત્રુટિ હોય તેના નિવારણથી હજી વધુ જે તે ક્ષેત્રની કામગીરીમાં સફળતા મળશે.

રાજ્ય શિક્ષણમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ યુનિવર્સિટી સ્તરના શિક્ષણમાં વધુ સુધાર માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં રાજ્યપાલશ્રીના  અગ્ર સચિવશ્રી અરવિંદ  જોષી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ  શ્રી અંજુ શર્મા, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી રાજકુમાર બેનીવાલ તેમજ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એમ. એસ. યુનિવર્સિટી અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના કુલપતિશ્રીઓએ ઉપસ્થિત રહીને વધુને વધુ ગુણવત્તાયુક્ત  શિક્ષણ માટે જરૂરી સુચનો કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.