Western Times News

Gujarati News

પ્રજાસત્તાક દિવસની સાપેક્ષમાં NCC માટે રાજભવન ખાતે ‘એટ હોમ’નું આયોજન કરવામાં આવ્યું

પ્રજાસત્તાક દિવસ શિબિર -2021માં ભાગ લેનારા કેડેટ્સ અને પુરસ્કાર વિજેતાઓના સન્માનમાં 01 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ નાયબ મહાનિયામક (DDG) બ્રિગેડિયર હર્ષવર્ધનસિંહ અને તેમની ટીમે રાજ્યના કેડેટ્સની તમામ ક્ષેત્રોમાં તાલીમ માટે દાખવેલી નિઃસ્વાર્થ કટીબદ્ધતા અને જીવનમાં નવી ઊંચાઇઓ સુધી પહોંચવા માટે તેમને આપેલી પ્રેરણા બદલ તેમની પ્રશંસા કરી હતી.

રાજ્યપાલશ્રીએ યુવાનોમાં મજબૂત ચારિત્ર્ય અને કર્તવ્યનિષ્ઠાની ભાવના પ્રબળ કરવા માટે બ્રિગેડિયર હર્ષવર્ધનસિંહે શરૂ કરેલી નવતર પદ્ધતિઓ બદલ તેમની પ્રશંસા કરી હતી. ખાસ કરીને NCC કેડેટ્સને સામાજિક જવાબદારીઓ અંગે જાગૃત કરવા માટે આ પદ્ધતિઓનો તેઓ ઉપયોગ કરે છે.

તેમને એ જાણીને પણ ખુશી થઇ હતી કે, NCC કેડેટ્સના અભ્યાસના મૂલ્યો અને અમલમાં મૂકવામાં આવેલા તાલીમ અભ્યાસક્રમોમાં હજુ પણ ‘વ્યક્તિત્વ વિકાસ’ અને ‘ચરિત્ર નિર્માણ’ કેન્દ્ર સ્થાને જળવાઇ રહ્યાં છે. રક્તદાન શિબિર, ડિજિટલ સાક્ષરતા, વૃક્ષારોપણ અને સ્વચ્છ ભારત અભિયાનમાં કેડેટ્સે ભાગ લીધો તે બદલ તેમણે સૌની કામગીરી બિરદાવી હતી.

રાજ્યપાલશ્રીએ કોવિડ-19 મહામારી દરમિયાન જિલ્લા પ્રશાસનને મદદરૂપ થવા માટે NCC યોગદાન કવાયત હેઠળ મોટી સંખ્યામાં કેડેટ્સે આપેલી સેવા બદલ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમની આ સહાયતા, NCCના કેડેટ્સ તેમના મૂળ સિદ્ધાંતો પ્રત્યે કટીબદ્ધ હોવાનું દર્શાવે છે. NCC નિદેશાલય દ્વારા સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વિસ્તરણ કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની રાજ્યપાલશ્રીએ ખૂબ જ પ્રશંસા કરી હતી.

રાજ્યપાલશ્રીએ 1 ગુજરાત કોમ્પોઝિટ ટેકનિકલ યુનિટના ANO લેફ્ટેનન્ટ (Dr) પીયૂષ પી. ગોહિલે કામ્પ્ટી ઓફિસર્સ તાલીમ અકાદમીમાં PRCH અભ્યાસક્રમમાં પ્રતિષ્ઠિત કમાન્ડન્ટ્સ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરવા બદલ તેમનું સન્માન કર્યું હતું. વધુમાં, 3 ગુજરાત બટાલિયન વડોદરાના કેડેટ દીપ ભાનુશાળીએ અતિ ગંભીર થયેલી વ્યક્તિનો જીવ બચાવ્યો તે બદલ તેમનું અને 1 ગુજરાત એર સ્ક્વૉટ્રન વડોદરાના કેડેટ ધીરજસિંહે શ્રેષ્ઠ કેડેટ્સની શ્રેણીમાં SD (એર)માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ તેમનું પણ રાજ્યપાલશ્રીએ સન્માન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.