Western Times News

Gujarati News

83 તેજસ પ્લેનોની ડીલ પર લાગી મહોર, સરકારે સાઇન કર્યો ‘સૌથી મોટો’ રક્ષા સોદો

બેંગલુરુ, કેન્દ્ર સરકારે 83 તેજસ લાઇટ કોમ્બેટ પ્લેનો ની ડીલ પર હસ્તાક્ષર કરી દીધા છે. આ ઔપચારિક પ્રક્રિયા બેંગલુરુમાં આયોજિત એરો ઈન્ડિયા 2021 કાર્યક્રમ દરમિયાન હાથ ધરવામાં આવી. આ પ્લેનોનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરશે. ખાસ વાત એ છે કે આ સ્વદેશી મિલિટ્રી એવિએશન સેક્ટરની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે. બુધવારે એરો ઈન્ડિયા શોનો શુભારંભ થયો છે.

રક્ષા મંત્રાલયના મહાસચિવ (અધિગ્રહણ) વી.એલ. કાંતારાવ તરફથી એચએએલના એમડી આર. માધવનને કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો. બેંગલુરુમાં એરો ઈન્ડિયા કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાની ઉપસ્થિતિમાં થઈ. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ Mi-17 હેલિકોપ્ટરોએ માર્ચ પાસ્ટ કર્યું.

HAL તરફથી બનાવવામાં આવી રહેલા તેજસ સિંગલ એન્જિન પ્લેન છે. આ મલ્ટી રોલ સુપરસોનિક ફાઇટર પ્લેન ગંભીર વાયુ વાતાવરણમાં કામ કરવામાં સક્ષમ છે. નોંધનીય છે કે, માર્ચ 2020માં ડિફેન્સ એક્કિજિશન કાઉન્સિલે 83 એડવાન્સ માર્ક 1A વર્ઝન તેજસ વિમાનની ખરીદવાની વાત પર મોહર લગાવી હતી. બાદમાં પીએમ મોદીની અધ્યક્ષતાવાળી CCSએ આ ડીલને ફાઇનલ કરી દીધી હતી. CCSએ ગત મહિને 73 તેજસ Mk-IA પ્લેન અને 10 LCA તેજસ Mk-I ટ્રેનર એરક્રાફ્ટની ડીલને મંજૂરી આપી હતી. તેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં ઘણો વધારો થશે.

આ અવસરે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું હતું કે, પીએમ મોદીની અધ્યક્ષતાવાળી CCSએ આજે ઐતિહાસિક રૂપથી સૌથી મોટી સ્વદેશી રક્ષા ડીલ મંજૂર કરી દીધી છે. આ ડીલ 48 હજાર કરોડ રૂપિયાની છે. જેનાથી આપણી વાયુસેનાના બેડાની તાકાત સ્વદેશી LCA તેજસ દ્વારા મજબૂત થશે. ભારતની ડિફેન્સ મેન્યૂફેક્ચરિંગ માટે આ ડીલ ગેમ ચેન્જર સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.