Western Times News

Gujarati News

ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર: અમેરિકાના વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

વોશિંગ્ટન: ભારતમાં ખેડૂતોના પ્રદર્શન પર અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું કે શાંતિપૂર્ણ પ્રદર્શન કોઈ પણ લોકતંત્ર માટે જીવંતતાનું એક પ્રમાણ હોય છે અને ભારતની સુપ્રીમ કોર્ટે પણ તેને સ્વીકાર્યું છે. અમેરિકાએ કહ્યું કે અમે મતભેદોને ઉકેલવા માટે વિભિન્ન પક્ષોમાં વાતચીતનું સમર્થન કરીએ છીએ.

આ સાથે જ અમેરિકાએ કહ્યું કે ભારતીય બજારોમાં કાર્યકુશળતાને સુધારવા માટે તથા પ્રાઈવેટ સેક્ટરના રોકાણનું સ્વાગત કરીએ છીએ.

અમેરિકા એ કહ્યું કે સામાન્ય રીતે અમેરિકા ભારતીય બજારોની કાર્યકુશળતાને સુધારવા તથા મોટા પાયે ખાનગી સેક્ટરના રોકાણને આકર્ષિત કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંનું સ્વાગત કરે છે. અમે માનીએ છીએ કે લોકો સુધી ઈન્ટરનેટ સહિત સૂચનાઓની નિર્વિધ્ન પહોંચ અભિવ્યક્તિની આઝાદી માટે મૂળ અધિકાર છે. આ એક સફળ લોકતંત્ર માટે જરૂરી પ્રમાણ છે.

અત્રે જણાવવાનું કે અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારતમાં નવા કૃષિ કાયદા અંગે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં જ ખેડૂતોના પ્રદર્શન દરમિયાન ગણતંત્ર દિવસે રાજધાની દિલ્હીમાં ખુબ હિંસા થઈ હતી. ખેડૂતોના પ્રદર્શનના સમર્થનમાં ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના, ગ્રેટા થનબર્ગની એન્ટ્રીથી હડકંપ મચ્યો જાે કે ભારતની અનેક વિખ્યાત હસ્તીઓએ જડબાતોડ જવાબથી મોઢા પણ બંધ કરી દીધા.

વિદેશી હસ્તીઓની આવી હરકત પર બોલીવુડની અનેક હસ્તીઓ, ક્રિકેટર્સ, કેન્દ્રીય મંત્રીઓએ આકરી ટિપ્પણી કરી. પૂર્વ ક્રિકેટર સચિન તેન્દુકર, અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રીએ ઈન્ડિયા ટુગેધર, ઈન્ડિયા અગેન્સ્ટ પ્રોપગેન્ડા જેવા હેશટેગ સાથે ટ્‌વીટ કર્યા. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ જડબાતોડ જવાબ આપ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.