Western Times News

Gujarati News

દરિયાપુરના જાણીતા રાણીસતીના મંદિરમાંથી માતાજીની પાદુકાની ચોરી

પાલડીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાઃ શ્રધ્ધાળુઓમાં ભારે રોષ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે શહેરમાં હાઈએલર્ટ વચ્ચે પોલીસતંત્ર ખડેપગે છે ત્યારે તસ્કરો બેફામ બની ગયા છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં જાણીતા રાણીસતીના મંદિરમાં માતાજીની ચાંદીની પાદુકાઓ તસ્કરો ઉઠાવી પલાયન થઈ જતાં શ્રધ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં વધતી જતી ચોરીની ઘટનાઓ વચ્ચે તસ્કરોએ હવે મંદિરમાં પણ ચોરી કરવાનું શરૂ કરી દેતા શ્રધ્ધાળુઓમાં રોષ જાવા મળી રહયો છે ઘરફોડ ચોરીની ઘટના વચ્ચે મંદિરમાં ચોરીની ઘટના થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં લુણસાવાડ ત્રણ બત્તી ખાતે આવેલા જાણીતા રાણીસતીના મંદિરમાં માતાજીની ચરણ પાદુકા રાખવામાં આવેલ છે ચાંદીની આ ચરણ પાદુકાઓ ખૂબ જ પવિત્ર હતી અને શ્રધ્ધાળુઓ નિયમિત તેના દર્શન કરતા હતાં

દરમિયાનમાં સાંજના સમયે તસ્કરો આ ચરણ પાદુકાઓની ચોરી કરી ફરાર થઈ જતાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉમટી પડયા હતા ઘટનાની જાણ થતાં દરિયાપુર પોલીસ પણ મંદિર પર પહોંચી ગઈ હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર પાટીલ ચલાવી રહયા છે.

ચોરીની અન્ય એક ઘટના પાલડી વિસ્તારમાં બની છે શહેરમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓના પગલે પોલીસતંત્ર દ્વારા પેટ્રોલીંગના દાવા કરવામાં આવી રહયા છે આ દરમિયાનમાં આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે તેમ છતાં શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે

શહેરના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે ભગવાન નગરના ટેકરા ઉપર રહેતા અતુલભાઈ બાબુભાઈ શાહ નામના વૃધ્ધ નાગરિકે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ઘરે તાળુ મારીને બે દિવસ માટે બહાર ગયા હતા અને ઘરે પરત ફર્યા ત્યારે ઘરના બીજા માળે આવેલા લોખંડના સળીયાની જાળીનું લોક તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોનાની હિરા જડીત વીટી તથા ચાંદીની લગડીઓ મળી કુલ રૂ.૧.૯પ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે આ અંગે પાલડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.