Western Times News

Gujarati News

ચાંદખેડામાં પૂર્વ નેતા દિનેશ શર્મા માટે અસ્તિત્વનો જંગ

સ્થાનિક આંતરિક વિખવાદથી કંટાળીને દિનેશ શર્માએ ચાંદખેડામાંથી લડવા નિર્ણય કર્યો હતો પક્ષ દ્વારા તેમને લીલીઝંડી પણ આપવામાં આવી છે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં ર૦૦૭ની સાલમાં ભેળવાયેલા ચાંદખેડા વોર્ડમાં ર૦ર૧ની ચૂંટણી રસપ્રદ બની રહી છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા દિનેશભાઈ શર્મા ચાંદખેડામાંથી લડી રહયા હોવાથી તમામની નજર આ વોર્ડના પરિણામ પર રહેશે. ર૦૧પમાં ઈન્ડીયા કોલોનીમાંથી પેનલને વિજયી બનાવનાર દિનેશ શર્માએ પાર્ટીની આંતરિક ખટપટથી કંટાળીને ચાંદખેડામાંથી ચૂંટણી લડવા નિર્ણય કર્યો છે.

સ્થાનિક આંતરિક વિખવાદથી કંટાળીને દિનેશ શર્માએ ચાંદખેડામાંથી લડવા નિર્ણય કર્યો હતો પક્ષ દ્વારા તેમને લીલીઝંડી પણ આપવામાં આવી છે તેથી આ ચુંટણી દિનેશ શર્માના અસ્તિત્વ માટે ખરાખરીના જંગ સમાન બની રહેશે. તેમની પેનલમાં ર૦૧પમાં ચૂંટણી જીતનાર રાજશ્રીબેન કેસરી હોવાથી કોંગ્રેસની પેનલ મજબુત બની છે.

મિશ્ર પરિણામની શક્યતા

ચાંદખેડા વોર્ડમાં ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય થયો હતો જયારે ર૦૧પમાં કોંગ્રેસના ફાળે એક બેઠક આવી હતી. કોંગ્રેસના રાજેશ્રીબેન કેસરી વિજેતા જાહેર થતા ભાજપના પેનલ અને દબદબો તૂટ્યા હતા નોંધનીય બાબત એ છે કે ર૦૧પમાં ભાજપમાંથી જયંતિભાઈ જાદવ જીત્યા હતા જેઓ રાજેશ્રીબેન કેસરીના મામા થાય છે.

ર૦ર૧માં તેઓ નવા નિયમના દાયરામાં આવ્યા હોવાથી તેમને ટિકિટ આપવામાં આવી નથી. ર૦ર૧માં પણ ચાંદખેડા વોર્ડમાં મિશ્ર પરિણામ આવે તેવી શક્યતા છે. જાેકે તેમાં એક ઉલટફેર થઈ શકે છે તથા કોંગ્રેસના ફાળે ત્રણ અને ભાજપને એક બેઠક મળશે તેમ નિષ્ણાતો માની રહયા છે. કોંગ્રેસમાં દિનેશ શર્મા અને રાજેશ્રીબેન કેસરીના કારણે પેનલ મજબુત બની છે. તેથી કદાચ પેનલનો વિજય થઈ શકે છે.

ભાજપની પેનલમાં બે વખત ચૂંટણી લડનાર અરૂણસિંહ રાજપૂત લડી રહયા છે. ર૦૧પમાં ભાજપના ફાળે ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. જયારે ર૦૧૦માં ભાજપની પેનલનો વિજય થયો હતો. કોંગ્રેસ તરફથી દિનેશ શર્મા, રાજશ્રીબેન કેસરી, કેતન દેસાઈ તથા પ્રજ્ઞાબેન પટેલ લડી રહયા છે. જેમાં દિનેશ શર્મા અને રાજશ્રીબેન કેસરીને મજબુત અને લડાયક નેતા માનવામાં આવે છે.

જયારે કેતન દેસાઈ અને પ્રજ્ઞાબેન પટેલ સંગઠનના મજબુત કાર્યકર્તા છે. જયારે ભાજપના અરૂણસિંહ રાજપુત રીપીટ થયા છે. પ્રતિમાબેન સકસેના, ભાવિના પટેલ અને રાકેશ બ્રહ્મભટ્ટ નવા ચહેરા છે. પ્રતિમાબેન સકસેના આયાતી ઉમેદવાર છે. અન્ય બે ઉમેદવારો વર્ષોથી સંગઠન સાથે સંકળાયેલા છે. ચાંદખેડા વોર્ડમાં હિન્દીભાષી મતદારો નિર્ણાયક સાબિત થશે તેમ માનવામાં આવી રહયું છે.

આંકડાકીય સમીકરણ

અમદાવાદ અને ગાંધીનગર શહેરની બોર્ડર પર આવેલા ચાંદખેડા વોર્ડમાં કુલ મતદારોની સંખ્યા ૧૦૧૬ર૯ છે. જેમાં પુરુષ મતદારો પર૪૧ર અને સ્ત્રી મતદારોની સંખ્યા ૪૯ર૧૬ છે. અન્ય મતદારની સંખ્યા એક છે. ર૦૧પની ચૂંટણીમાં જે ચાર ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા તેમાં ભાજપના કલ્પનાબેન વૈદ્યને ૧૩૮૮ર, જયંતિભાઈ જાદવને ૧૭૭૪પ તથા અરૂણસિંહ રાજપૂતને ૧પ૦૧૭ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના રાજેશ્રીબેન કેસરીને ૧૩૬૧૪ મત મળ્યા હતા.

ર૦૧પમાં ચાંદખેડાના ૪૦૭૮૭ મતદારોએ તેમના બંધારણીય હક્કનો ઉપયોગ કર્યો છે. જે કુલ મતદારોના ૪૭.૮૩ ટકા હતા. ર૦૧પમાં મતદારોની સંખ્યા ૮પ૯૦૧ હતી નવા સીમાંકન બાદ ચાંદખેડામાં લગભગ ૧૬ હજાર મતદારો વધ્યા છે. જયારે વોર્ડનું કુલ ક્ષેત્રફળ ૧૧.૯૦ ચોરસ કિલોમીટર છે. જ્ઞાતિ સમીકરણ મુજબ જાેવામાં આવે તો ચાંદખેડામાં હિન્દીભાષી અને દલિત સમાજના મતદારોની સંખ્યા વધારે છે. હિન્દી ભાષી મતદારોની સંખ્યા ૩પ હજાર, દલિત સમાજના રપ હજાર મતદાર છે. જયારે પટેલ સમાજના ૦પ હજાર અને ઓ.બી.સી. મતદારોની સંખ્યા ર૩ હજાર છે.

સમસ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં લગભગ ૧૩ વર્ષ પહેલા સમાવિષ્ટ થયેલા ચાંદખેડા વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જાેવા મળે છે. અહીંના ર૦ થી ૩૦ ટકા વિસ્તારોમાં પાણીના નેટવર્ક નથી તથા નાગરીકો બોર આધારિત પાણી પીવા મજબુર બની રહયા છે. ચાંદખેડાના અનેક રીઝર્વ પ્લોટ પર ભૂ-માફીયાઓના દબાણ થઈ ગયા છે.

ટી.પી. અંતર્ગત મળેલા પ્લોટના નકકર આયોજન કરવામાં આવ્યા નથી. તેથી બિલ્ડર લોબી દ્વારા પણ તેની પર દબાણ કરવામાં આવ્યા છે. નવી ટી.પી. સ્કીમોમાં નિયમ મુજબ સીનિયર સીટીઝન પાર્ક, બગીચા, જીમ્નેશીયમ, રમત ગમત મેદાન, સ્વીમીંગ પુલ, લાયબ્રેરી વગેરેનો અભાવ છે. ટી.પી. સ્કીમોના રોડ ખોદવામાં આવ્યા છે

પરંતુ નવા રોડ બનાવવામાં આવ્યા નથી ખાનગી અને મ્યુનિ. પ્લોટોમાં પારાવાર ગંદકી થઈ ગઈ છે. અમદાવાદ-ગાંધીનગરને જાેડતો વી.આઈ.પી. વિસ્તાર હોવા છતાં ટ્રાફિક સમસ્યા જાેવા મળે છે. ચાંદખેડામાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ માટે ઘણા સમયથી માંગણી કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યુ નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.