Western Times News

Gujarati News

યુવકે ‘ફોરેક્સ ચીટિંગ’ની જાળ બિછાવીઃ બે પકડાયા

અમદાવાદના એકાઉન્ટન્ટની એફઆરઆઈથી સાયબર ક્રાઈમે ભંડાફોડ કર્યો

અમદાવાદ, ઓનલાઈન છેતરપિંડીના નવતર કિસ્સામાં ‘ફોરેક્સ ઓટો ટ્રેડિંગ’માં રૂ.એક લાખનું રોકાણ કરાવી દરરોજ ૩૦૦૦૦ની કમાણીની લાલચ આપી ઠગાઈ કરનાર બે શખ્સને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. સુરતના ધો.૧ર પાસ યુવકે શેરબજાર ટ્રેડિંગના ધંધાના અનુભવના કારણે ઓનલાઈન ચિટિગની જાળ એક વર્ષથી બિછાવી હતી.

પણ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જયેશ હિંમતલાલ વાઘેલા અને તેના સાગરિત કિરીટ નરોત્તમ કારેલિયાને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. કૃષ્ણનગરમાં રહેતા અને કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ મનિષભાઈ હસમુખલાલ શાહને પુજા નામની યુવતીએ ટેક્સ્ટ મેસેજ કરી ‘કોઈ જ એડવાન્સ રકમ વગર, એક વખત ડિપોઝીટ જમા કરાવવાથી દરરોજ રૂ.૩૦૦૦૦થી ૪પ૦૦૦ કમાવાની તક ફોરેક્સ ઓટો ટ્રેડિંગ સોફટવેરથી મળશે’ તેવી લાલચ આપી વિનામૂલ્યે લાઈવ ડેમોન્સ્ટ્રેશન માટે મોબાઈલ ફોન નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.

મનિષભાઈએ બે ટુકડે કુલ રૂ.એક લાખ વેલબુલ ટ્રેડિંગના ખાતામાં જમા કરાવતાં ‘ટ્રેડપ્રો સર્વિસીઝ’ નું લોગ-ઈન આઈ.ડી. આપવામાં આવ્યું હતું. ગૌતમ શાહ નામના વ્યક્તિએ એક લિન્ક મોકલતાં તેમાં એપ્લિકેશન ખુલી હતી. અઠવાડિયા પછી એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી અને મનિષભાઈએ એક લાખ ગુમાવતાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.બી.બારડ અને ટીમે ટેકનિકલ સર્વેલન્સથી સુરતના મોરા ભોગલ વિસ્તારના વૈષ્ણોદેવી સ્કાયમાં રહેતા ૪૩ વર્ષના જયેશ હિંમતભાઈ વાઘેલા અને તેના સાગરિત ડીંડોલી વિસ્તારની નક્ષત્ર રેસીડન્સીમાં રહેતા કિરીટ નરોત્તમભાઈ કારેલિયા (ઉ.વ.પર)ને પકડી પાડ્યા હતા. ધો.૧ર પાસ જયેશ વાઘેલા ટ્રેડિંગના કામનો જાણકાર હતો. ડેટા પ્રોવાઈડર વેબસાઈટ ઉપરથી નંબરદીઠ એક રૂપિયો ચુકવીને વિગતો મેળવી બલ્ક મેસેજ કરીને જયેશ ‘શિકાર’ને ટાર્ગેટ કરતો હતો.

મેસેજ મેળવનાર વ્યક્તિ પૈસા કમાવા માટે ફોન કરે તો સોફટવેરથી લિન્ક મોકલીને ભરેલા પૈસાના પ્રમાણમાં નફો અને ભરેલા પૈસા ડોલરથી બતાવતો હતો. આ એપ્લિકેશનમાં એક અઠવાડિયા સુધી જ ડોલરમાં રકમ ડીસ્પ્લે થતી હતી. બાદમાં પૈસા ભરનારના ફોન આ શખ્સો ઉપાડતા હોતા. અગાઉ મુંબઈમા આ જ પ્રકારનો ગુનો કરતા જયેશ પકડાઈ ચૂકયો છે. જયારે કિરીટ કારેલિયા બેન્ક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો અને પૈસા ઉપાડી જયેશને પહોંચાડતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.