Western Times News

Gujarati News

કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય

નિકોલમાં ખાંડના હોલસેલના વહેપારીની કારમાંથી રૂ.૧ર.૯૬ લાખની ચોરી ઃ ઓઢવમાં વહેપારીની કારમાંથી રૂ.૧.૬૦ લાખની ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતકથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે શહેરમાં ઠેરઠેર ચોરીની ઘટનાઓથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે રોજ નવી નવી મોડસ ઓપરેન્ડી વાપરી લુંટારુ ગેંગ ત્રાટકી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ગાડીના કાચ તોડી કિંમતી મુદ્દામાલની ચોરી કરવાની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે.

ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં આવી ઘટનાઓ ઘટી રહી છે. રેકી કર્યા બાદ ચોરી અને લુંટની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહયો છે અને પોલીસના પેટ્રોલીંગના દાવાના લીરેલીરા ઉડાડવામાં આવી રહયા છે. શહેરના નિકોલ વિસ્તારમાં એક વહેપારીની કારનો કાચ તોડી રૂ.૧ર.૯૬ લાખ રોકડાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે જયારે ઓઢવમાં એક વહેપારીની કારનો કાચ તોડી રૂ.૧.૬૦ લાખની ચોરીની ઘટના ઘટતા સ્થાનિક વહેપારીઓમાં રોષ જાવા મળી રહયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા કેશવપાર્કમાં રહેતા વિમલ હસમુખભાઈ મોદી નામનો વહેપારી નિકોલ વિસ્તારમાં આવેલા મનોહર વિલા શોપીંગ સેન્ટરમાં સહજાનંદ સુગર સપ્લાયર્સ નામની દુકાન ધરાવે છે અને તે ખાંડનો હોલસેલનો વહેપારી છે અહીયાથી તે સમગ્ર દેશમાં ખાંડ સપ્લાય કરે છે જેના પરિણામે અન્ય રાજયોમાં પણ તેના ગ્રાહક વહેપારીઓ છે.

વિમલભાઈ મોદી ખાસ કરીને ગુજરાતમાં વહેપારીઓને મોટાપાયે ખાંડ સપ્લાય કરે છે અને નિત્યક્રમ મુજબ તે વહેપારીઓ પાસેથી આંગડિયા અથવા તો બેંકના ખાતામાં રૂપિયા જમા કરાવે છે થોડા સમય પહેલા તેમણે મહેસાણાના એક વહેપારીને ખાંડ વહેંચી હતી જેના નાણાં આ વહેપારીએ આંગડિયા પેઢી મારફતે વિમલભાઈ મોદીને મોકલી આપ્યા હતાં.

મહેસાણાના વહેપારીએ ઈશ્વરભાઈ સોમાભાઈ નામની આંગડિયા પેઢીમાં આ નાણાં મોકલ્યા હતા અને તેની જાણ વિમલ મોદીને કરી હતી આ અંગેની જાણ થતાં જ ગઈકાલે સાંજે વિમલભાઈ મોદી તેમના અન્ય એક મિત્રને લઈ કારમાં રૂપિયા લેવા નીકળ્યા હતાં આંગડિયા પેઢીની ઓફિસ બાપુનગર ડાયમંડ માર્કેટ પાસે આવેલ હતી તેના અન્ય એક મિત્રને પણ રૂપિયા લેવાના હોવાથી તેમની સાથે ગયો હતો.

વિમલ મોદીએ આંગડિયા પેઢીમાંથી કુલ રૂ.૧ર.૯૬ લાખ લીધા હતા અને આ રૂપિયા તેણે પ્લાÂસ્ટકની બેગમાં આગળની સીટ નીચે મુકયા હતાં.

મિત્રને તેના નિવાસસ્થાન નજીક ઉતારી વિમલભાઈ કાર લઈને પોતાની દુકાન મનોહરવિલા શોપીંગ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં રોજનો હિસાબ કરી ૧૦ જ મીનીટમાં પરત કાર પાસે આવ્યા હતાં રાત્રિના ૭.૩૦ વાગ્યે તેઓ આંગડિયા પેઢીને ત્યાંથી રૂપિયા લઈ આવી ૮.૦૦ વાગ્યે દુકાનમાં કામકાજ પતાવી પરત કાર પાસે પહોંચ્યા ત્યારે કારનો આગળના દરવાજાનો કાચ તૂટેલો જાવા મળ્યો હતો.

જેના પરિણામે તેઓ ચોકી ઉઠયા હતાં અને તપાસ કરતા સીટની નીચે મુકેલી બેગ ચોરી થઈ ગયાનું માલુમ પડયું હતું જેના પરિણામે તેમણે બુમાબુમ કરી મુકતા સમગ્ર શોપીંગ સેન્ટરના વહેપારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં તમામ વહેપારીઓ ચોંકી ઉઠયા હતાં.

કારમાંથી રૂ.૧ર.૯૬ લાખ રોકડાની ચોરી થતાં જ તાત્કાલિક નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી

 આ શોપીંગ સેન્ટરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જેના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. બાપુનગર ચાર રસ્તા પાસે આવેલા ડાયમંડ માર્કેટમાં અનેક હિરાની પેઢીઓ તથા આંગડિયા પેઢીઓ આવેલી છે અને મોડી સાંજ સુધી આ સમગ્ર વિસ્તાર ધમધમતો હોય છે આ સ્થળેથી રોજ કરોડો રૂપિયાની હેરાફેરી થતી હોય છે.

હોલસેલ ખાંડના વહેપારી વિમલ મોદીના રૂ.૧ર.૯૬ લાખની ચોરી થઈ જવાની ઘટનાના પગલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરીની અન્ય એક ઘટના ઓઢવ વિસ્તારમાં બની છે જેમાં નિકોલ વિસ્તારમાં ભક્તિ  સર્કલ પાસે આવેલા ભક્તિ  એન્કલેવ રહેતા વહેપારી બ્રીજેશ હરકાંતભાઈ ગીજર બનાવવાની ફેકટરી ધરાવે છે

કલીપ્ટન ઈન્ડીયા નામની ગીજર બનાવવાની ફેકટરીમાંથી તેઓ નિયમિત ઘરે જવા નીકળતા હતાં આ દરમિયાનમાં તેમણે અન્ય એક વહેપારીને રૂ.૧.૬૦ લાખ આપવાના હતા અને તે રોકડા રૂપિયા લઈને તેઓ ઘરેથી ઓઢવ ફેકટરીએ જવા નીકળ્યા હતા અને ફેકટરીએથી તેઓ પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે નીકળ્યા હતા.

ઓઢવ સીગરવા રોડ પર આવેલી અન્ય એક બેંકમાં પણ તેઓ પોતાના ખાતાને લગતી માહિતી મેળવવા ગયા હતા અને ૧૦ મીનીટમાં તેઓ પરત ફર્યા ત્યારે તેમની ગાડીનો કાચ તુટેલો જાવા મળ્યો હતો અને કારમાં પાછળની સીટ પર મુકેલી પ્લાÂસ્ટકની બેગ ચોરાયેલી માલુમ પડી હતી આ બેગમાં તેમણે રૂ.૧.૬૦ લાખ રોકડા મુકયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.