Western Times News

Gujarati News

ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટથી ભવ્ય વિજય મેળવ્યો

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતનો ભવ્ય વિજય-ભારતે ઇંગ્લેન્ડની બીજી ઈનિંગ્સ માત્ર ૮૧ રનમાં સમેટી દઈને વિજયના લક્ષ્યાંકને વિના વિકેટ પાર કર્યો

અમદાવાદ, અક્ષર પટેલ અને રવીચંદ્રન અશ્વિની વેધક બોલિંગ સામે પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમે ઘૂંટણ ટેકવી દેતાં ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટથી ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે ૪૯ રનના વિજય માટેના પડકારને એક પણ વિકેટ ગુમાવ્યા વિના પાર કર્યો હતો. રોહિત શર્મા ૨૫ અને શુભમન ગિલ ૧૫ રને અણનમ રહ્યા હતા.

મેચ રમતના બીજા દિવસે જ પુરી થઈ ગઈ હતી. આ સાથે ભારતે ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાવાની છે. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનના તરખાટ સામે ઈંગ્લેન્ડના બેટ્‌સમેનોએ બીજા દાવમાં પણ હથિયાર હેઠા મૂકી દેતા ભારત સામે ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચ જીતવા માટે ૪૯ રનનો લક્ષ્યાંક આવ્યો છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટના બીજા દિવસે ગુરૂવારે ઈંગ્લેન્ડ બીજા દાવમાં ફક્ત ૮૧ રનમાં આઉટ થઈ ગયું હતું. જેમાં અક્ષર પટેલે પાંચ તથા અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી એક વિકેટ વોશિંગ્ટન સુંદરના ફાળે ગઈ હતી. અશ્વિને આ મેચમાં ૪૦૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ નોંધાવી હતી.

બીજા દિવસે ભારતને ૧૪૫ રનમા આઉટ કર્યા બાદ ઈંગ્લેન્ડને રાહત થઈ હતી કેમ કે યજમાન ટીમ ૩૩ રનની સરસાઈ મેળવી શકી હતી. જાેકે, બીજા દાવમાં પણ ઈંગ્લેન્ડના બેટ્‌સમેનો અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની સ્પિન જાળમાં ફસાઈ ગયા હતા. અક્ષર પટેલે ઈંગ્લેન્ડના બીજા દાવની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર જ ઝેક ક્રાઉલીને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ આ જ ઓવરમાં જાેની બેરસ્ટોને પણ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો કર્યો હતો.

પ્રથમ ઓવરથી જ ઈંગ્લેન્ડના ધબડકાની શરૂઆત થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે ફક્ત ત્રણ બેટ્‌સમેનો જ ત્રણ આંકડાનો સ્કોર નોંધાવી શક્યા હતા. જેમાં કેપ્ટન જાે રૂટે ૧૯, બેન સ્ટોક્સે ૨૫ અને ઓળી પોપે ૧૨ રન નોંધાવ્યા હતા.ચાર બેટ્‌સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અશ્વિને ૧૫ ઓવરમાં ૪૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

જ્યારે અક્ષર પટેલે ૧૫ ઓવરમાં ૩૨ રન આપીને પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથે જ તેણે આ ટેસ્ટમાં કુલ ૧૧ વિકેટ પોતાના નામે કરી છે. ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ગુરૂવારે ભારતે ૩ વિકેટે ૯૯ રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. જાેકે, પ્રથમ સેસનમાં જ ભારતનો ધબડકો થયો હતો. ભારતીય બેટ્‌સમેનો રૂટ અને જેક લીચની સ્પિન બોલિંગ સામે ટકી શક્યા ન હતા.

દિવસની શરૂઆતમાં ભારતે અજિંક્ય રહાણેની વિકટે ગુમાવી દીધી હતી. ૧૧૪ રનના સ્કોર પર રહાણે આઉટ થયા બાદ ટીમના સ્કોરમાં એક રનનો ઉમેરો થયો હતો ત્યારે રોહિત શર્મા પણ આઉટ થઈ ગયો હતો. તેણે ટીમ માટે સૌથી વધુ ૬૬ રન નોંધાવ્યા હતા. તેણે પોતાની ૯૬ બોલની ઈનિંગ્સમાં ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા. રિશભ પંત ફક્ત એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ ખાથુ ખોલાવી શક્યા ન હતા. અશ્વિને ૧૭ રન નોંધાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.