Western Times News

Gujarati News

અમદાવાદની ૭૪ જર્જરિત ટાંકીઓ તોડી પાડવા કાર્યવાહી શરૂ

File Photo

મ્યુનિ. કોર્પો.ના સર્વેમાં ૪૪ ટાંકી ગ્રામ પંચાયતોની અને ૩૦ ટાંકી જુની લિમિટમાં હોવાનો રિપોર્ટ

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના બોપલ વિસ્તારમાં જર્જરીત પાણીની ટાંકી તૂટી પડવાની દુર્ઘટના બાદ મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ હરકતમાં આવ્યા છે તથા ઘણા વર્ષોથી વણવપરાયેલ ટાંકીઓના સર્વે કરી તેને તોડી પાડવા માટેની સઘન કાર્યવાહી શરૂ કરી છે જેમાં ગ્રામ પંચાયત વિસ્તારની ૪૪ અને મ્યુનિ.કોર્પો. જુની હદની ૩૦ ટાંકી મળી કુલ ૭૪ ટાંકીઓને તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

બોપલ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઅે કરૂણ મૃત્યુ બાદ મ્યુનિ. કોર્પો.ના નિંદ્રાધીન અધિકારીઓ સફાળા જાગ્યા છે શહેરની ૧૬પ ટાંકીઓનો સર્વે કર્યા બાદ તંત્રએ ૭૪ ટાંકી તોડી પાડવા નિર્ણય કર્યો છે

જેના ભાગરૂપે ગઈકાલે ગોતામાં લગભગ છ દાયકા જુની ટાંકી તોડી હતી તેવી જ રીતે રામોલ, હાથીજણ, અને ચાંદખેડા વિસ્તારની ટાંકીઓ પણ ઉતારી લેવાની કામગીરી કરવામાં આવી છે.

જયારે આજે ઓગણજ અને જાધપુર વિસ્તારની ટાંકીઓ પણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિ. કોર્પો.ના સુત્રોના જણાવ્યા મુજબ ર૦૦૭ની સાલમાં કોર્પોેરશન હદમાં ભેળવાયેલ ગ્રામ પંચાયત વિસ્તારની ટાંકીઓ છેલ્લા એક દાયકાથી વપરાશ વિના પડી રહી છે તેથી આ તમામ ટાંકીઓ ઉતારી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા અનુસાર સૌથી વધુ ૧૪ જર્જરિત ટાંકી ઉત્તર પશ્ચિમ ઝોનમાં છે જયારે પશ્ચિમ ઝોનમાં -૧૦, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં -૮, ઉત્તર ઝોનમાં-૩, પૂર્વ ઝોનમાં -ર, હાઉસીંગ સોસાયટીની -૩, અને મધ્યઝોનમાં -૧ મોટાભાગના ગ્રામપંચાયતની ટાંકીઓ ત્રણ દાયકા જુની છે. ઉત્તર પશ્ચિમ ઝોનના ઓગણજ ગામમાં-૩, થલતેજ જય અંબેનગરમાં-૧, બોડકદેવમાં-૧ (આરએમએસ ટાંકી), ચાંદલોડિયામાં-૪ (પંચાયત ઓફિસ તથા ત્રાંગડ ગામ), તથા ઘાટલોડિયામાં (વિધાતા) ને તોડી પાડવામાં આવશે જયારે હેબતપુર અને ઘાટલોડિયા કર્મચારીનગરની ટાંકીના સ્ટેબીલીટી રિપોર્ટ બાદ તોડવા અંગે નિર્ણય થશે.

જયારે મ્યુનિ. કોર્પો.ની જુની હદમાં પણ ૩૦ જેટલી વણવપરાયેલ અને જર્જરિત અવસ્થાની ટાંકીઓ પણ તોડવામાં આવશે. આ તમામ ટાંકીઓની કેપેસીટી ૧૦ હજારથી ૧ લાખ ગેલનની છે

મ્યુનિ. કોર્પો.ના પ્રાથમિક રિપોર્ટ બાદ તેનો વધુ એક વખત સર્વે કરવામાં આવશે જેમાં વધુ ભયજનક જર્જરિત ટાંકીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.

બોપલમાં જર્જરિત ટાંકી તુટી પડવાની ઘટના બાદ કોર્પોરેશને અન્ય વિસ્તારોમાં આવેલ ભયજનક મકાનો અને દુકાનોને પણ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે દાણાપીઠ ફાયર સ્ટેશનની દુકાનો તથા પથ્થરકુવા યુસીડી બિલ્ડીંગમાં આવેલી ૧૬ દુકાનો સીલ કરવામાં આવી છે.

જયારે કાલુપુર પાન માર્કેટ (જુના ઓકટ્રોય બિલ્ડીંગ) ને પણ ડીમોલેશ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે પાન માર્કેટના દુકાનદારોને કોબામાં દુકાનો ફાળવી આ જર્જરિત બિલ્ડીંગને દુર કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.