Western Times News

Gujarati News

ધોરણ 10ના છાત્રોને ગણિત અને વિજ્ઞાનમાંથી મુક્તિની ભલામણ

Files Photo

અમદાવાદ: રાજ્યમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય ભણવામાંથી મુક્તિ મળી શકે છે. નવી શિક્ષણ નીતિના અમલ માટે બનાવેલી ટાસ્ક ફોર્સે સરકાર સમક્ષ પોતાની ભલામણો મોકલી છે. જેમાં ધોરણ ૧૦ બાદ જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવા નથી માગતા તેમના માટે ગણિત અને વિજ્ઞાનના બદલે દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેવા અંકગણિત અને માનવજીવન વિજ્ઞાન જેવા વિષયોનો સમાવેશ કરવા ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત હાલમાં ૫ વર્ષ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીને ધોરણ ૧માં પ્રવેશ આપી દેવાય છે. પરંતુ હવે ૫ વર્ષની ઉંમર થયા બાદ બાળકને બાલવાટીકામાં પ્રવેશ અપાશે. આ માટે પ્રાથમિક શાળાના પરિસરમાં જ બાલવાટીકાની રચના કરવામાં આવશે. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સંદર્ભે રાજ્યકક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેની તાજેતરમાં મીટિંગ મળી હતી. મીટિંગમાં રાજ્યકક્ષાએ લેવાનારા ર્નિણયોની ચર્ચા કરવામાં આવી હતી.

ચર્ચાના અંતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી અમલીકરણના ર્નિણયો અંગે ટાસ્ક ફોર્સનો એકસૂર જાેવા મળ્યો હતો. જેમાં હાલ ૧૦ ૨ના શિક્ષણ માળખામાં પરિવર્તન લાવીને નવી ૫ ૩ ૩ ૪ના શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાની ભલામણ કરવામાં આવી છે. આ નવા માળખા મુજબ પ્રથમ ૫ વર્ષમાં પૂર્વ પ્રાથમિકના ૩ વર્ષ અને ધોરણ ૧-૨નો સમાવેશ થાય છે. જ્યારે ત્યારબાદના ત્રણ વર્ષ ધોરણ ૩થી૫ના ત્યાર પછી ધોરણ ૬થી૮ના ત્રણ વર્ષ અને છેલ્લે ધોરણ ૯થી૧૨ના ચાર વર્ષનો સમાવેશ થાય છે. પ્રથમ પાંચ વર્ષમાં બે વર્ષ આંગણવાડી-પૂર્વ પ્રાથમિકના રહેશે.

ત્યારબાદનું એક વર્ષ એટલે કે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે બાલવાટીકામાં અભ્યાસ કરશે અને તે પછી ૨ વર્ષ ધોરણ ૧ અને ૨માં ભણશે. આમ, બાળક ૬ વર્ષનું થશે ત્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવશે. બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જ જે-તે શાળાના પરિસરમાં થવી જાેઈએ તેવી ભલામણ પણ કરાઈ છે. બાલવાટીકાના બાળકોને ધોરણ ૧ અને ૨ની જેમ પ્રજ્ઞા અભિગમ દ્વારા પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. રાજ્યમાં હાલ માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાન વિષય ફરજિયાત રીતે અભ્યાસક્રમમાં રાખવામાં આવે છે.

પરંતુ ધોરણ ૧૦ના અંતે આ અભ્યાસક્રમ પૂરો થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ સિવાય સામાન્ય પ્રવાહ તેમજ વ્યવસાયલક્ષી પ્રવાહ તરફ વળે છે. આ વિદ્યાર્થીઓ માટે ગણિત તેમજ વિજ્ઞાન આગળના અભ્યાસ માટે ખાસ ઉપયોગી થતું નથી. આથી વિજ્ઞાન પ્રવાહ સિવાયના અન્ય કોર્સમાં આગળ વધવા માગતા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક કક્ષાએ ગણિત અને વિજ્ઞાનના વિકલ્પમાં દૈનિક જીવનમાં ઉપયોગી થાય તેના અંકગણિત તેમજ માનવજીવન વિજ્ઞાન જેવા વિષયો ઉમેરવામાં આવે તેવી ભલામણ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.