Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રના કલેક્ટરે મસાજ ઓઈલ સાથે ૫ લાખ માગ્યા

અમદાવાદ: લાખો રુપિયાના તોડ કરવાના આક્ષેપોથી ચર્ચામાં આવેલા સૌરાષ્ટ્રના એક જિલ્લાના તોડબાજ કલેક્ટર સામે વધુ એક અરજી થઈ છે. જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ કલેક્ટરે હથિયાર રાખવા માટે જરુરી લાઈસન્સ આપવા માટે પાંચ લાખ રુપિયા સાથે ત્રણ લિટર તલના તેલની ડિમાન્ડ કરી હતી. આ કલેક્ટર વિરુદ્ધ ભૂતકાળમાં પણ એસીબીમાં ત્રણ કેસ નોંધાઈ ચૂક્યા છે, અને ચોથો કેસ બુધવારે નોંધાયો હતો.

એક ખેડૂત દ્વારા એસીબીમાં કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે, તેમણે ૨૭ જાન્યુઆરી ૨૦૨૦માં હથિયાર રાખવા માટે લાઈસન્સ મેળવવા કલેક્ટર ઓફિસમાં અરજી કરી હતી. જ્યારે તેમણે આ અંગે કલેક્ટરનો સંપર્ક કર્યો ત્યારે તેમની પાસેથી ૫ લાખની ડિમાન્ડ કરાઈ હતી. ફરિયાદીનો દાવો છે કે, કલેક્ટરે પોતાની ઓફિસમાં જ ૧ લાખ ચેકમાં અને ૪ લાખ રુપિયા કેશમાં માગ્યા હતા.

કલેક્ટરે અરજદારને ચેકમાં પોતાની સહી અને રકમ ભરી દેવા કહ્યું હતું, અને ચેકમાં નામ પોતે લખશે તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં, પાર્કિંગ પાસે પોતાનો એક માણસ સફેદ શર્ટ પહેરીને આવશે, અને તેને ચાર લાખ રોકડા આપી દેજાે તેમ કહી અરજદારને રવાના કરી દીધા હતા. કલેક્ટરની સૂચના અનુસાર અરજદારે ચાર લાખ રુપિયા તેમના માણસને આપી પણ દીધા હતા. જાેકે, જુલાઈ ૨૦૨૦માં તેમની લાઈસન્સની અરજી કેન્સલ થઈ ગઈ હતી. રોષે ભરાયેલો ખેડૂત પાંચ લાખનો વહીવટ કર્યો હોવા છતાંય અરજી કઈ રીતે કેન્સલ થઈ તે જાણવા કલેક્ટરની ઓફિસે પહોંચ્યો, જ્યાં કલેક્ટરે તેને ગૃહ વિભાગમાં અપીલ કરવા માટે સલાહ આપી.

જ્યારે બીજીવાર ખેડૂત કલેક્ટરને મળવા ગયો ત્યારે કલેક્ટરે તેને કામધંધા વિશે પૂછ્યું હતું. જ્યારે અરજદારે જણાવ્યું કે તે ખેડૂત છે અને તલ અને જુવારની ખેતી કરે છે ત્યારે કલેક્ટરે તેને બોડી મસાજ માટે ત્રણ લિટર તલનું તેલ પહોંચાડવા માટે કહ્યું હતું, અને જણાવ્યું હતું કે આટલું કરશો તો હથિયાર રાખવાનું લાઈસન્સ મળી જશે. ત્યારબાદ અરજદાર ત્રણ લિટર તલના તેલ સાથે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા,

તેમને તે ગિફ્ટ કરી તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા. કલેક્ટરે તે વખતે તેમને ગૃહ વિભાગમાં કરેલી અપીલને પરત ખેંચી લેવાનું જણાવતા લાઈસન્સ મળી જશે તેવી ખાતરી આપી હતી. કલેક્ટરની વાત માનતા ખેડૂતે ગૃહ વિભાગમાં કરેલી અપીલ પરત ખેંચી લીધી હતી. જાેકે, ત્યારબાદ પણ તેનું લાઈસન્સ મંજૂર નહોતું થયું. આખરે જ્યારે અરજકર્તા ફરી કલેક્ટરને મળવા પહોંચ્યા ત્યારે કલેક્ટરે પોતાનો પાવર બતાવતા તેમને ધમકાવ્યા હતા, અને જણાવ્યું હતું કે જે રુપિયાનો વહીવટ થયો છે તે તો પાછા નહીં મળે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.