Western Times News

Gujarati News

એએમસીના પૂર્વ એન્જીનિયર સાથે ૧૮ લાખની ઠગાઈ કરાઇ

અમદાવાદ: સાયબર ક્રિમિનલ્સ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાના અવનવા કિમિયાઓ અજમાવવામાં આવી રહ્યા છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં એન્જિનિયરિંગ વિભાગમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર તરીકે ગત વર્ષે જ નિવૃત્ત થયેલા અધિકારી સાથે શેર ટ્રેડિંગના નામે ૧૮ લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે.

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસટન્ટ એન્જીનિયર તરીકે હાલમાં જ નિવૃત થયેલા અમિતભાઈ ઓઝાએ સાયબર ક્રાઇમમાં ૪ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેઓની ફરિયાદ મુજબ ૧ માર્ચ ૨૦૨૧ના રોજ તેઓને અજાણ્યા નંબર પરથી શેર ટ્રેડિંગ કરવા અંગેનો યુવતીને ફોન આવ્યો હતો. જેમાં તે યુવતીએ મહેતા ઈક્વીટીઝમાંથી શેર ટ્રેડિંગની સર્વિસ આપતા હોવાનું જણાવ્યુ હતુ.

અમિત ઓઝાને ટ્રેડિંગમાં રસ હોવાથી શેર ટ્રેડિંગની હા પાડતા સાંજના સમયે આનંદ પાટીલ નામના યુવકનો ફોન આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ મહેતા ઈક્વીટીઝમાં સિનીયર એડવાઇઝર તરીકેની આપી વાત કરી અમિતભાઈને શેર ટ્રેડિંગ પેકેજ ઓફર કર્યુ હતું. બીજી માર્ચે રજીસ્ટ્રેશન પેટે ૨૧,૦૦૦ રૂપિયા ભરાવ્યા હતા. જેનો ભરોષો અપાવવા રિસીપ પણ આપવામાં આવી હતી. જેથી તેઓએ વિશ્વાસ આવતા પોતાનાં ડોક્યુમેન્ટ મોકલ્યા અને શરૂઆતમાં ૫ લાખ ૯૬ હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું.

થોડોક સમય ટ્રેડિંગ કરતા તેઓ દ્વારા ગુડવીલ સિક્યુરિટીમાં એકાઉન્ટ ખોલવા માટેની કામગીરી શરૂ કરી. પરંતુ ૨૦ દિવસ પછી તેઓનું ૫૦ હજારનું નુકસાન બતાવ્યું હતું. જેથી અમિતભાઈએ રોકેલા પૈસા રિફંડ માંગ્યા હતા. જે બાદ કંપનીના અન્ય કર્મચારીઓ સિદ્ધાર્થ રોય તેમજ કંપનીના સીઈઓ શરદચંદ્ર તેમજ તેમના આસિસ્ટન્ટ અનુરાધાએ વારંવાર ફોન કરી ૫૦ હજારનું નુકસાન ભરપાઈ કરી આપવાનું કહ્યું હતું અને નવા પેકેજમાં ૧૧ લાખનું રોકાણ કરવાનું કહ્યું અને અગાઉની ભરેલી રકમ પણ રિફંડ આપવાની બાંહેધરી આપી હતી. જે મુજબ ઠગે નવા પેકેજમાં એપ્રિલ માસમાં ટર્મિનલ ટ્રેડિંગ કરીશું તેવું જણાવી બીજા ૪.૨૫ લાખ પડાવ્યા અને ત્યારબાદ અલગ અલગ ફી તેમજ ચાર્જીસ પેટે ૭.૮૮ લાખ રૂપિયા પડાવ્યા હતા.

ઠગ ટોળકીએ અલગ અલગ રીતે રોકાણ તેમજ ફી અને અન્ય ચાર્જીસ પેટે અમિત ઓઝા પાસેથી ૧૮ લાખ ૯ હજાર રુપિયા ભરાવ્યા હતા. જે ઇન્વેસ્ટમેન્ટમાંથી થયેલા પ્રોફિટના રોજ વ્હોટ્‌સએપ પર સ્ક્રીનશોટ પણ મોકલ્યા હતા. ત્યારબાદ તેઓએ ભરેલા રકમમાંથી રૂપિયા ૧ કરોડ ૨૭ લાખ મળી તથા નફો મળ્યો હોવાનું જણાવી જેના જી.એસ.ટી પેટે વધુ ૧૮ લાખની માગણી કરતા અમિતભાઈ ઓઝાને શંકા જતા તેઓએ નાણાં રિફંડ માંગતા આરોપીઓએ રીફંડ કરવાની ના પાડી હતી.

અમિત ઓઝાએ મહેતા ઈક્વીટીઝ મુંબઈ ખાતેની મુખ્ય ઓફિસે તપાસ કરતા તેઓને જાણવા મળ્યું હતું કે આ ઉપરોક્ત માણસો કે આ ગ્રુપ મહેતા ઈક્વીટીઝ કંપનીમાં કામ કરતા નથી અને તેઓએ જણાવેલા એક પણ બેન્ક એકાઉન્ટ મહેતા ગ્રુપના નથી. આરોપીઓએ મહેતા ઈક્વીટીઝના લેટરપેડ ઉપર ઇન્વોઇસ તેમજ પેકેજ આપી અમિતભાઈ ઓઝાને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી અલગ-અલગ એકાઉન્ટમાં ઓનલાઇન પૈસા ભરાવી છેતરપિંડી કરી હતી જેથી આ મામલે તેઓએ અનુરાધા, શરદચંદ્ર, સિદ્ધાર્થ રોય અને નિશા નામના ચાર લોકો સામે છેતરપિંડીની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.