Western Times News

Gujarati News

ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી કંકાળ મળ્યું

સુરતની વિચિત્ર ચકચારી ઘટના-માનવ કંકાલના અવશેષો પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા વાહનો મુકાય છે ત્યાંથી મળ્યાઃ પોલીસની વધુ તપાસ

સુરત,  એક વિચિત્ર ઘટનામાં સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી રવિવારે માનવ કંકાળ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કંકાલના અવશેષો પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા વાહનો જ્યાં મૂકવામાં આવે છે ત્યાંથી મળી આવ્યા હતા. આ જગ્યા છેલ્લા બે વર્ષથી અવાવરું પડી હતી, અને તેમાં ભાગ્યે જ કોઈની અવરજવર હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ખોપડી અને બે પગનાં હાડકા મળી આવ્યા હતા, જ્યારે બાકીના ભાગ ગુમ હતા. પોલીસે હાડપિંજરની તપાસ કરવા માટે ફોરેન્સિક સાયન્સની ટીમને બોલાવી હતી. ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા બાદ હવે તેની તપાસ કરીને હાડકા પરથી વ્યક્તિનું મોત કઈ સ્થિતિમાં થયું તેનું કારણ શોધવામાં આવશે.

મૃતક કોણ હતો, પુરુષ હતો કે સ્ત્રી હતી જેવી વિગતો પણ ફોરેન્સિક તપાસમાં બહાર આવે તેવું પોલીસનું માનવું છે. આ ઉપરાંત, મૃત્યુ ક્યારે થયું તે પણ જાણવા મળી શકે છે, તેવું ખટોદરાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જાેકે, હાડપિંજરના ઘણા ભાગ ગુમ હોવાથી જે મર્યાદિત હિસ્સો મળ્યો છે તેના આધારે મૃતકની કેટલી વિગતો મળી શકશે તે અંગે પોલીસ અને ફોરેન્સિક ટીમ હાલ કંઈ કહેવા તૈયાર નથી.

રવિવારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરાયેલા ટુ વ્હીલર અને રિક્ષાઓને ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે બે રિક્ષાની વચ્ચેથી હાડપિંજરના ભાગ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. ખટોદરા પોલીસ સ્ટેશનની જગ્યા મોટી હોવાથી અન્ય પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનો પણ અહીં મૂકવામાં આવે છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી અહીં પડેલા વાહનો જેમ છે તેમ જ રહ્યા હતા. જપ્ત કરાયેલા વાહનોને અલગ-અલગ પોલીસ સ્ટેશન પ્રમાણે ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ રિક્ષાઓ વચ્ચેથી કંકાળના અવશેષ મળ્યા હતા. પોલીસનું એમ પણ માનવું છે કે, શક્ય છે કે મરનાર વ્યક્તિ રિક્ષાઓ વચ્ચે આવીને બેઠો હોય, અને ત્યાં જ બીમારીને કારણે તેનું મોત થયું હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.