Western Times News

Gujarati News

વડોદરામાં અગરબત્તી બનાવતી કંપનીમાં ભીષણ આગ કોઈ જાનહાનિ નહીં

વડોદરા: વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ૧૫ ગાડી દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં જાનહાનિના અહેવાલ મળ્યા નથી.જાેકે ૧૦ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
મળેલી માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી.

ફાયરબ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઇડીસીમાં આવેલ ૭૩૦ નંબરના પ્લોટ સ્થિત પૂજા એન્જિનિયરિંગ કંપનીમાં આગ ફાટી નીકળી હતી, જે આગ પ્રસરીને બાજુમાં આવેલી અગરબત્તીનું ઉત્પાદન કરતી શ્રીજી અગરબત્તી વર્ક્‌સમાં લાગી હતી. અગરબત્તીની કંપની હોવાને કારણે આગે જાેતજાેતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગગનચુંબી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાથી મકરપુરા જીઆઈડીસીમાં ચકચાર મચી ગઇ હતી. આગના બનાવની જાણ જીઇબીને કરવામાં આવતાં જીઇબીની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ સાથે પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી જઇ આગની કામગીરીમાં જાેડાયો હતો.

મકરપુરા જીઆઈડીસીમાં વહેલી સવારે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ કહેવાય છે કે શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે. આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા આગને બુઝાવવા માટે સતત પાણી મારો અને ફમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. એ સાથે ફાયરબ્રિગેડ દ્વારા અત્યાધુનિક ઉપકરણોની પણ મદદ લઈને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ ૧૦ કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.જયારે ફાયર સ્ટેશનોમાંથી ૧૫ પાણીના બંબાઓ ફાયરબ્રિગેડના સબ ફાયર ઓફિસરો સહિત ૩૫ જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.