Western Times News

Gujarati News

હાઈટેક નર્સરી જેવી અદ્યતન સુવિધા ઉભી કરવા માટે સરકાર તરફથી સહાય મળશે

બાગાયત વિભાગની યોજનાનો લાભ મેળવવા ખેડૂત ૧૫ મે, ૨૦૨૧ સુધી ‘આઈ-ખેડૂત’ પોર્ટલ પર અરજી કરી શકશે

જૂના બગીચાઓના નવીનીકરણ, વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાક, પ્લાન્ટ હેલ્થ ક્લીનીક જેવા વિવિધ ૬૭ ઘટક માટે ખેડૂતને લાભ મળશે.

વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષમાં બાગાયત વિભાગની યોજનાઓ હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો ‘આઈખેડૂત’પોર્ટલ પર અરજી કરી શકે છે. બાગાયત નિયામકની કચેરીની અખબારી યાદી પ્રમાણે ૧૫ મે, ૨૦૨૧ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે.

હવે ગુજરાતના ધરતીપુત્રો બાગાયતી પાકો તરફ વળ્યા છે ત્યારે તેને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ હેઠળ સબસીડી આપે છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે, જેમાં બાગાયતી પાકોના ઉત્પાદન અને વેચાણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

સબસીડી અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓમાંજૂના બગીચાઓનું નવીનીકરણ, ફળપાક  પ્લાન્ટિંગ મટીરિઅલ, વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો માટે સહાય આપવામાં આવે છે. બાગાયત વિભાગ દ્વારા ખેતી ઉપરાંત મધમાખી ઉછેર જેવા ક્ષેત્રોમાં પણ સહાય કરવામાં આવી રહી છે.

હવે ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે આધુનિકીકરણ તરફ વળ્યા છે ત્યારે પ્લાન્ટ હેલ્થ ક્લિનિક, બાયો કંટ્રોલ લેબોરેટરી, લીફટીસ્યુ એનાલિસિસ લેબોરેટરી જેવી સુવિધાઓ વિકસાવવા માટે પણ રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે.

ફળપાકોમાં ખેત-ઉત્પાદનના બગાડનો પ્રશ્ન વ્યાપક છે તેને લક્ષમાં લઈને કોલ્ડ સ્ટોરેજ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, પેક હાઉસ, પ્રી કુલિંગ યુનિટ, પુસા ઝીરો એનર્જી કુલ ચેમ્પર, મોબાઈલ પ્રીકુલિંગ યુનિટ અને રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ જેવી વ્યવસ્થાઓ વિકસાવવા માટે પણ કિસાન ‘આઈખેડૂત’ પોર્ટલ પર અરજી કરી લાભ મેળવી શકે છે.

ઉત્પાદન બાદ વેચાણ સરળતાથી કરી શકાય તે માટે ગ્રામ્ય બજાર, અપની મંડી જેવા બજાર વિકસાવવા માટે અને હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં પણ સહાય કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.