Western Times News

Gujarati News

રિતિક રોશન અને રણબીર કપૂર પહેલી વખત કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે

બે વર્ષ પહેલાં રૂ.૪૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ.૪૨૫ કરોડની વર્લ્ડવાઈડ આવક મેળવી હતી-રણબીર કપૂર અને રિતિક રોશન પહેલી ફિલ્મમાં સાથે દેખાશે (સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,  રણબીર કપૂર હાલ રામાયણના શૂટિંગમાં બિઝી છે અને સાથે તેમની બ્લોકબસ્ટર ફિલ્મ બ્રહ્માસ્ત્રની સીક્વલની તૈયારી પણ ચાલી રહી છે. રિતિક રોશનની વોર ૨નું શૂટિંગ પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રિતિકની સાથે જુનિયર એનટીઆર મહત્ત્વના રોલમાં છે.

રિતિક અને રણબીર હાથ પરની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી એક પ્રોજેક્ટ પર સાથે કામ કરવાના છે. આ પ્રોજેક્ટ એટલે રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ બ્રહ્માસ્ત્રની સીક્વલ. વર્ષ ૨૦૨૨માં રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થઈ હતી. ફિલ્મના વીએફએક્સ, મ્યૂઝિક, કાસ્ટિંગ અને બજેટે દરેકનું ધ્યાન ખેંચ્યુ હતું. બોયકોટ ટ્રેન્ડ પૂરા જોરમાં હોવા છતાં આ ફિલ્મ ચાલી હતી. ‘બ્રહ્માસ્ત્ર’માં આલિયા અને રણબીરે પહેરી વાર સાથે કામ કર્યું હતું.

બે વર્ષ પહેલાં રૂ.૪૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ.૪૨૫ કરોડની વર્લ્ડવાઈડ આવક મેળવી હતી. ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝ સાથે જ તેની સીક્વલ ફાઈનલ થઈ હતી. કરણ જોહરના પ્રોડક્શન બેનર હેઠળ અયાન મુખરજીએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મની સીક્વલનો સંકેત ક્લાઈમેક્સમાં જ અપાઈ ગયો હતો. ફિલ્મમાં રણબીરની માતાના રોલમાં દીપિકા પાદુકોણનો કેમિયો હતો, પરંતુ તેના પિતા ક્યાંય દેખાયા ન હતા.

રિપોટ્‌ર્સ મુજબ, શિવાના પિતાના રોલમાં રિતિક રોશન જોવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના મેકર્સે દીપિકા અથવા રિતિકના સમાવેશ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી. જો કે ‘ફાઈટર’ બાદ રિતિક-દીપિકા ફરી એક વાર સાથે કામ કરે તેવી શક્યતા છે.

રિતિક રોશનની હાથ પરની ફિલ્મ ‘વોર ૨’ને અયાન મુખરજી ડાયરેક્ટ કરી રહ્યા છે. ‘બ્રહ્માસ્ત્ર ૨’ના ડાયરેક્ટર પણ અયાન જ છે. જો કે રણબીર કપૂરે ઘણી બધી ફિલ્મો સાઈન કરેલી છે અને તેથી રણબીરને નવરાશ મળ્યા પછી ‘બ્રહ્માસ્ત્ર ૨’ આગળ વધી શકે તેમ છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.