Western Times News

Gujarati News

લગ્ન પ્રસંગ માટે લવાયેલો ૫ લાખનો વિદેશી દારૂ જપ્ત

વલસાડ: વાપી જીઆઇડીસી વિસ્તારમાં એક ગોડાઉનમાં લગ્ન પ્રસંગ માટે એકઠો કરવામાં આવેલા પાંચ લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે. આ સાથે પોલીસે ત્રણ વેપારીઓની પણ ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ૫.૧૮ લાખ રૂપિયાના વિદેશી દારૂ અને એક કાર મળી અંદાજે ૧૦.૮૮ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ જાણીતા વેપારીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. મહત્ત્વપૂર્ણ છે કે વાપી જીઆઇડીસી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે જીઆઈડીસીના ફોરટી શેડ વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર ૭૭૯/૨માં રેડ કરી હતી.

રેડ દરમિયાન ગોડાઉનમાં પાર્ક કરવામાં આવેલી એક કારમાં તપાસ કરતાં કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઓમ માર્કેટિંગ સર્વિસ નામના ગોડાઉનમાં પણ તપાસ હાથ ધરી હતી. ગોડાઉનમાં તપાસ કરતાં પોલીસ ચોંકી ગઈ હતી. કારણ કે જીઆઇડીસીના આ ગોડાઉનમાં મોટીમાત્રમાં વિદેશી દારુનો જથ્થો સંગ્રહી રાખવામાં આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાં પાર્ક કરેલી કાર અને ગોડાઉનમાં મળેલા આ વિદેશી દારૂના જથ્થાના મામલામાં ઉજ્જવલ સુબોધ દેસાઈ, રમેશચંદ્ર દેસાઈ અને કરણ અનિલકુમાર ઘડિયાલીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા.

ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછ કરતાં આરોપીઓ પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી સેલવાસના નરોલીમાં આવેલા પૃથ્વીરાજ બારમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જીઆઇડીસી પોલીસે સેલવાસના નરોલીમાં આવેલા પૃથ્વીરાજ બારના સંચાલકને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. વાપીના સારા ઘરના એવા અને જાણીતા વેપારી લાઈનના આરોપીઓ ઉજ્જવલ દેસાઈ, ધવલ દેસાઇ અને કરણ ઘડિયાલીની ધરપકડથી અનેક જાણીતા અગ્રણીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પતાવટ માટે ધમપછાડા કર્યા. જાેકે, જીઆઇડીસી પોલીસે કોઇ પણ જાતની શરમ રાખ્યા વગર તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. પોલીસે આ કેસમાં પાંચ લાખના વિદેશી દારૂ અને કાર મળી અંદાજે ૧૦. ૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.