Western Times News

Gujarati News

બંગાળની ચુંટણીમાં કેન્દ્રીય દળોના ગોળીબારમાં કૂચબિહાર ખાતે ૫ લોકો મૃત્યુ

કોલકતા: બંગાળમાં પાંચ જીલ્લાની ૪૪ બેઠકો માટે આજે મતદાન થયું હતું. મતદાન દરમિયાન ભારે હિંસા થઇ હતી. મતદારોએ ચથા તબક્કામાં કુલ ૩૭૩ ઉમેદવાોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ કર્યું છે. સવારે મતદાન ઝડપી ગતિથી શરૂ થયું હતું જાે કે બપોરે મતદાનની ગતિ ધીમી રહી હતી. બપોરના ત્રણ વાગ્યા સુધી ૫૩.૧૩ ટકા જેટલું મતદાન થયું હતું જયારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૫ ટકા જેટલું મતદાન થયું હતું.ચોથા તબક્કામાં કુલ ૧૫,૯૪૦ પોલિંગ બુથો ઉભા કરવામાં આવ્યા હતાં ચોથા તબક્કામાં ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને બીસીસીઆઇના અધ્યક્ષ સોરવ ગાંગુલીએ મતદાન કર્યું હતું. ચોથા તબક્કામાં સૌથી વધુ સેલિબ્રિટી મેદાનમાં હતી

પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન વચ્ચે અનેક સ્થળે હિંસક અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કૂચબિહારના સિતાલકુચી ખાતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે લાઠીચાર્જ દ્વારા ભારે મહેનતથી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જાણવા મળ્યા મુજબ બૂથ નંબર ૨૮૫માં મતદાન કેન્દ્ર બહાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને ગોળીબાર થયો હતો. પોલિંગ બૂથ બહાર ફાયરિંગ થવાના કારણે મતદાન માટે આવેલા યુવકનું મોત થયું હતું.આ બધા વચ્ચે બંગાળ પોલીસે કરેલા દાવા પ્રમાણે કેન્દ્રીય દળોએ કરેલા ફાયરિંગમાં કૂચબિહાર ખાતે ૫ લોકો મૃત્યુ પામ્યા છે. શનિવારે સવારે ૧૦ઃ૦૦ કલાકે સિતાલકુચી ખાતે મતદાન ક્ષેત્રનું ચક્કર મારવા આવેલી ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) પર ઉપદ્રવીઓએ કથિત રીતે હુમલો કરી દીધો હતો.

ઉપદ્રવીઓએ ક્યુઆરટીના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું જેથી સુરક્ષાકર્મીઓએ અનેક રાઉન્ડ ફાયર કરવા પડ્યા હતા જેમાં ૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચૂંટણી પંચે આ ઘટનાને લઈ ડીઈઓ કૂચબિહાર પાસેથી રિપોર્ટની માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળા એડીજી જગમોહને પણ ૪ લોકોના મૃત્યુની પૃષ્ટિ થઈ હોવાનું જણાવ્યું હતું. ગ્રામીણોએ હુમલો કર્યો તેના જવાબમાં સીઆઈએસએફના જવાનોએ ગોળીબાર કર્યો હતો.

પશ્ચિમ બંગાળના હુગલીમાં ભાજપના નેતા લોકેટ ચેટર્જીની કાર પર હુમલો થયો છે. આ દરમિયાન સ્થાનિકોએ લોકેટ ચેટર્જી ગો બેકના નારા લગાવ્યા હતા. લોકેટ ચેટર્જીની કારના કાચ તૂટી ગયા છે. એટલું જ નહીં ગુસ્સે ભરાયેલા લોકોએ હુગલીમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને આવરી લેતા મીડિયા વાહનો પર હુમલો કરી તોડફોડ પણ કરી છે. આ હુમલાના ફોટા પણ બહાર આવ્યા છે. હુગલીના ૬૬ મતદાન મથકની આસપાસ લોકેટ ચેટર્જી પર હુમલો થયો હતો. સુરક્ષા દળો વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ભાજપના નેતા લોકેટ ચેટર્જીએ ચૂંટણી પંચને ફોન કર્યો હતો અને કાર પર થયેલા હુમલા બાદ ફરિયાદ કરી હતી. લોકેટ ચેટર્જીએ ચૂંટણી પંચના અધિકારી સાથે ફોન પર વાત કરી. લોકેટ ચેટર્જીએ કહ્યું કે હૂગલીના પોલિંગ બૂથ નંબર ૬૬ પર સ્થાનિકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને જ નહીં, પત્રકારો ઉપર પણ હુમલો થયો છે અને તેમના વાહનો તૂટી ગયા છે. લોકેટ ચેટર્જીએ ચૂંટણી પંચને આ વિસ્તારમાં વધારાની સુરક્ષા દળ મોકલવા જણાવ્યું છે.ભાજપના નેતા લોકેટ ચેટર્જીએ સ્થાનિક પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. બુથ નંબર ૬૬માં પોતાની ઉપર થયેલા હુમલા અંગે લોકેટ ચેટર્જીએ કહ્યું કે, તેણે કાર તોડી મારીને મારવાનો પ્રયાસ કર્યો. મેં તરત જ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. મેં પોલીસની મદદ માંગી હતી

પરંતુ પોલીસે કંઇ કર્યું નથી એક પોલીસ અધિકારીએ કહ્યું કે આનંદ બર્મન નામના યુવકને સિતાલ્કુચીના પઠાનતુલી વિસ્તારમાં બુથ નંબર ૮૫ની બહાર ધસડીને લાવ્યા અને ગોળી મારી દીધી આ ઘટના બાદ ટીએમસી અને ભાજપના સમર્થકોમાં અથડામણ થઇ હતી અને મતદાન કેન્દ્રોની બહાર બોંબ ફેંકવામાં આવ્યા હતાં. જયારે મમતા બેનર્જીએ ૨૪ પરગનાના હિંગલગંજમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરીને કહ્યુ કે સિતાલકુચીમાં થયેલી હિંસાના સમાચાર મને મળ્યા છે ત્યાં સીઆરપીએફે આજે ૪ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી જ્યારે એક વ્યક્તિનુ મોત સવારે થયુ હતુ. મમતાએ કહ્યુ કે સીઆરપીએફ સાથે મારી કોઈ દુશ્મની નથી પરંતુ ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર બંગાળમાં એક ષડયંત્ર હેઠળ આવુ કરવામાં આવી રહ્યુ છે જેનુ પ્રમાણ આજની આ ઘટના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.