Western Times News

Gujarati News

“જીવતી કે પછી મરેલી પણ મને મારી મા પાછી આપો”

:વાત્રક કોવીડ હોસ્પિટલની ઘોર બેદરકારી અન્ય મૃતક મહિલાનો મૃતદેહ પરિવારજનો  સોંપ્યો

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: બાયડની વાત્રક હોસ્પિટલમાં ઉભી કરાયેલ કોવીડ-૧૯ હોસ્પિટલની વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં કોવીડ મહિલા દર્દીના મૃતદેહ અદલાબદલી થઇ જતા ભારે હોબાળો મચ્યો છે મૃતક વૃદ્ધ મહિલાના પુત્રો અને પરિવારજનો તેમના સ્વજનના મૃતદેહ માટે છેલ્લા ૧૮ કલાકથી હોસ્પિટલમાં રઝળપાટ કરી રહ્યા છે

પરિવારજનોએ બાયડ પોલીસને જાણ કરતા બાયડ પોલીસ પણ રાત્રીથી વાત્રક કોવીડ-૧૯ હોસ્પિટલમાં ધામા નાખી તપાસ હાથધરી છે પરિવારજનોએ વાત્રક કોવીડ-૧૯ હોસ્પીટલના જવાબદાર અધિકારીઓ પોલીસને પણ ગોળગોળ જવાબ આપતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે

ડેમાઈ ગામના હંસાબેન ઉમિયાશંકર પિત્રોડા નામની મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા શ્વાસ લેવામાં તકલીફ પડતા બુધવારે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વાત્રક કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા પછી કચ્છ રહેતા તેમના પરિવારજનો હોસ્પિટલ પહોંચતા પહેલા તો આવા કોઈ દર્દી જ દાખલ નથી પછી કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાનું બાકી રહી ગયું હોવાનું જણાવી વૃદ્ધાના પુત્રો પાસે એડમિશન પ્રક્રીયા પૂર્ણ કરાવી દવાઓ મંગાવી વૃદ્ધાની સારવાર ચાલુ કરવામાં આવી હતી

ત્યાર બાદ ગુરુવારે હોસ્પિટલમાંથી તેમના માતાનું મોત થયું હોવાનું જણાવી મૃતદેહ લઇ જવા જણાવતા પરિવારજનો હોસ્પિટલ પહોંચી વૃદ્ધ માતાનો મૃતદેહ કોવીડ-૧૯ સરકારી ગાઈડલાઈન પ્રમાણે ડેડબોડી એમ્બ્યુલન્સમાં સ્મશાનમાં લઇ ગયા પછી પરિવારજનોં શક પેદા થતા ડેડબોડી ખોલી ચેક કરતા તેમની આંખો ફાટી ગઈ હતી

તેમને હોસ્પિટલ તરફથી સોંપવામાં આવેલ મૃતદેહ અન્ય કોઈ મહિલાનો હોવાની જાણ થતા અંતિમવિધિ બંધ રાખી હોસ્પિટલમાં મૃતદેહ એમ્બ્યુલન્સ મારફતે પરત મોકલી વૃદ્ધાના પુત્રો હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ સામે તેમની માતા “જીવતી કે પછી મરેલી પણ  પાછી આપો” ની રજુઆત કરતા સત્તાધીશો સમગ્ર ઘટના અંગે ગલ્લા તલ્લાં કરવા લાગ્યા હતા

તેમની માતાનો મૃતદેહ અન્ય પરિવારજનોને સોંપી દીધો કે પછી તેમની માતા અંગે કોઈ ભાળ નહિ મળતા બાયડ પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી તો પોલીસને પણ જવાબદાર તંત્ર શરૂઆતની તપાસમાં સહકાર ન આપતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી રહ્યા છે છેલ્લા ૧૮ કલાકથી પરિવારજનો વૃદ્ધ માતાના મૃતદેહ મેળવવા હોસ્પિટલની સામે લાચારી થી બેસી રહ્યા છે  વાત્રક કોવીડ-૧૯ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે લોકોમાં પણ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે

આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં વાત્રક કોવીડ-૧૯ હોસ્પિટલમાં બે મહિલાઓના મોત નિપજ્યા હતા જેમાં એક મહિલાના પરિવારજનોને હોસ્પિટલે સુપ્રત કરેલ મૃતદેહની અંતિમવિધિ પણ કરી દીધી છે ત્યારે મૃતદેહની અદલાબદલી થઇ ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.