Western Times News

Gujarati News

દંપતીએ એક જ દિવસે દેહ ત્યાગ કરી જીવનની અંતિમ ક્ષણ સુધી પણ સાથ નિભાવ્યો

ગાંધીનગર: સપ્તપદીના ફેરા ફરતી વખતે જીવનભર એકબીજાનો સાથ નિભાવવાના વચન લેનાર ગાંધીનગરનાં કોરોના સંક્રમિત દંપતીએ એક જ દિવસે દેહ ત્યાગ કરી જીવનની અંતિમ ક્ષણ સુધી પણ સાથ નિભાવ્યો હતો. સવારે પતિએ તેમજ સાંજે પત્નીએ અંતિમ શ્વાસ લેતા સંતાનોને એક જ દિવસમાં માતા પિતાની છત્ર છાયા ગુમાવવાનો વખત આવ્યો હતો. હિંદૂ ધર્મમાં લગ્ન સમયે વર અને કન્યા સપ્તપદીના વચન લે છે. જેમાં જીવનભર કોઈપણ સંજાેગોમાં એકબીજાનો સાથ નિભાવવાના વચન લે છે. લગ્નનાં આ વચનને ગાંધીનગરનાં દંપતીએ અંતિમ શ્વાસ સુધી નિભાવ્યું છે. ગાંધીનગરના સેકટર-૨ બી પ્લોટ નંબર ૧૩૧૮/૧ માં રહેતા વયનિવૃત દંપતીએ એક જ દિવસે કોરોનાનાં કારણે અંતિમ શ્વાસ લીધા હતાં.

સચિવાલય નર્મદા નિગમમાંથી નિવૃત થનાર ૬૫ અશોકભાઈ કેશવલાલ પટેલના પરિવારમાં પત્ની રમીલાબેન તેમજ સંતાનો છે. જ્યારે ૬૦ વર્ષીય રમીલાબેન ગાંધીનગરના સેકટર-૭ ની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જેઓ પણ બે વર્ષથી વય નિવૃત થયા હતાં. હાલમાં ચાલી રહેલી કોરોનાની લહેરનાં પગલે ગત તારીખ ૧૬મી એપ્રિલનાં રોજ અશોકભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જેના પગલે તેમના દીકરાએ શહેરની તમામ હોસ્પિટલમાં તપાસ કરી હતી પરંતુ દરેક હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયાનો જવાબ મળી રહ્યો હતો. ધીમે ધીમે અશોકભાઈનું ઓક્સિજન લેવલ ઘટવા લાગતા તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી છેલ્લે હારી થાકીને તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ રમિલાબેનને પણ કોરોનાનાં સામાન્ય લક્ષણો દેખાતાં તેમનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેઓ પણ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. તેમને સામાન્ય લક્ષણો હોવાથી હોમ આઇસોલેશન થયા હતા અને ઘરે જ સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં દાખલ અશોકભાઈની અચાનક તબિયત લથડતા ૧૮મી એપ્રિલે સવારે તેઓનું મૃત્યુ થયું હતું.એક તરફ અશોકભાઈનું મોત થયેલું અને બીજી તરફ ઘરે રમીલાબેન પણ કોરોનાની સારવાર હેઠળ હોવાથી તેમને કેવી રીતે જાણ કરવી એની વ્યથા પરિવારને કોરી ખાવા લાગી હતી.

આખરે કાળજું કઠણ રાખીને રમિલાબેનને પતિ અશોકભાઈનાં મૃત્યુથી વાકેફ કરવામાં આવ્યાં હતાં.અશિકભાઈની અંતિમ ક્રિયા કર્યા પતાવીને પરિજનો ઘરે આવ્યા હતા ત્યારે રમીલાબેન પતિના મોતના સમાચાર સાંભળી ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. અને તેઓ રડી પણ શક્યા ન હતાં. જેથી તેમની પણ સાંજ પડતાં તબિયત લથડી હતી અને પરિસ્થિતી પારખી ગયેલા પરિવારજનો રામિલાબેનને હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા હતાં. જાેંકે, તેમણે રસ્તામાં જ દેહ ત્યાગી દીધો હતો. જીવન ભર એકબીજાનો સાથ નિભાવનાર પતિ પત્નીએ એક જ દિવસે દેહ ત્યાગ કરી અંતિમ ક્ષણમાં પણ સાથ નિભાવતા સંતાનોને એક જ દિવસે માતા પિતાની છત્ર છાયા ગુમાવવાનો વખત આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.