Western Times News

Gujarati News

જ્યારે કુટુંબ કોરોનાગ્રસ્ત બન્યું, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ વડીલની અંતિમક્રિયા કરી

મૂળ જમ્મુ કાશ્મીરના અને વર્ષોથી અમદાવાદમાં રહેતા પ્રફૂલ્લ ધર અને પત્નિ કોરોનાગ્રસ્ત છે, માતા બિમાર છે ત્યારે તેમના પિતાની અંતિમક્રિયા કોણ કરે એ સવાલ ઉભો થયો…. ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર તેમનું સ્વજન બની રહ્યું….

સંકટના સમયમાં સરકાર જ નાગરિકની સ્વજન બની રહે છે, તેનું ઉદાહરણ પુરુ પાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં રહેતા શ્રી પ્રફૂલ્લ ધર(૫૧ વર્ષ) ના પિતા – શ્રી જગમોહન ધર(૮૨ વર્ષ)નું કોરોનાથી અવસાન થયું. પ્રફૂલ્લભાઈના માતા બિમાર છે. પ્રફૂલ્લભાઈ અને તેમના પત્નિ કોરોનાગ્રસ્ત. ત્યારે મૃતકની અંતિમક્રિયા કેવી રીતે કરવી એ પ્રશ્ન વિકટ બન્યો.

આ માહિતી અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે સુધી પહોંચી. જિલ્લા કલેક્ટરશ્રીએ અમદાવાદ પશ્ચિમના ડેપ્યુટી કલેક્ટર શ્રી જે.બી.દેસાઈ અને ઘાટલોડિયા મામલતદાર શ્રી શકરાભાઈ રબારીને મૃતકની અંતિમક્રિયા માટે જરુરી તજવીજ હાથ ધરવાની સૂચના આપી.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ તરત જ કામગીરી આરંભી. વહીવટીતંત્રએ મૃતકની અંતિમવિધિ કોરોના પ્રોટોકોલ પ્રમાણે થાય તે માટે તજવીજ હાથ ધરી. શબવાહિનીની વ્યવસ્થા કરી અન સદગતની અંતિમક્રિયા થલતેજ ખાતેના સ્મશાનગૃહમાં કરી.

પિતાની અંતિમવિધિમાં જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે અને જિલ્લા વહીવટીતંત્રની હૂંફ અનુભવનાર પ્રફૂલ્લભાઈ ધર આભાર માનતા કહે છે, “ હું જિલ્લા કલેક્ટરશ્રી અને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રનો આભારી છું. મારી આશા- અપેક્ષા પર જિલ્લા વહીવટીતંત્ર ખરુ ઉતર્યું છે. ” આમ, આપત્તિના કાળમાં અનેક નકારાત્મકતા સમાચારો વચ્ચે પણ હકારાત્મતાની ઉર્જા પ્રાપ્ત થાય તેવા સમાચાર આપણને મળતા રહે છે, જેથી આપણી માનવતા પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.