Western Times News

Gujarati News

પિતૃઋણ અદા કરવા શરૂ કરાયેલા સેવાયજ્ઞને વિકટ દોર રહે ત્યાં સુધી પ્રજ્વલિત રાખવાનો સંકલ્પ

કોરોનાના સંકટકાળમાં માનવતાનો સાદ ઝીલીને લોકોની જઠરાગ્નિ ઠારવાનું પુનિતકાર્ય કરી રહ્યું છે શ્રી શ્વેતામ્બર સકલ જૈન સંઘ

શહેરના ૪૫૦ જેટલાં હોમ કવોરોન્ટાઇન લોકો સહિત ૧૪૦૦ થી વધુ લોકો સુધી પહોંચે છે પૌષ્ટિક-લહેજતદાર ભોજન

કોરોનાના તીવ્ર સંક્રમણના દોરમાં આખે આખા પરિવારો સંક્રમિત થઇ રહ્યાં છે અને ઘરના દરેક સભ્યો હોમ ક્વોરન્ટાઇન હોય ત્યારે બે સમયનું જમવાની વ્યવસ્થા પણ મુશ્કેલ બને છે. આવી વિકટ પરિસ્થિતિમાં દાહોદના શ્વેતામ્બર સકલ જૈન સંઘ દ્વારા દાહોદના ૪૫૦ થી વધુ હોમ કવોરન્ટાઇન લોકોને બે સમયનું જમવાનું પુરૂ પાડવામાં આવે છે. એટલું જ નહીં, શહેરના દવાખાનાઓમાં દાખલ દર્દીઓના સગાઓની પણ આ સંઘ દ્વારા સંભાળ લેવામાં આવે છે અને રોજ તૈયાર થતા ૧૦૦૦ જેટલા ટિફિનનું પોષ્ટિક જમણવાર યુવાઓની ટીમ દ્વારા સમયસર પહોંચતુ કરવામાં આવે છે. આમ સંઘ દ્વારા રોજ ૧૪૦૦ લોકો સુધી પૌષ્ટિક અને લહેજદાર જમવાનું પહોંચતુ કરવાનું પુણ્યકાર્ય અહીં થાય છે.

કોરોનાની આફતમાં લોકોને મદદરૂપ થવાનો આ વિચાર મૂળ રિન્કુભાઇ ભંડારીનો. તેમના પિતા શ્રી મહેશચંદ્વ ભંડારીના નિધન બાદ તેમની સ્મૃતિમાં રિન્કુભાઇએ ૧૦ દિવસ સુધી કોરોનાથી અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવા આ પ્રવૃતિ શરૂ કરી. તેમની પ્રવૃતિમાં શ્રી શ્વેતામ્બર સકલ જૈન સંઘના યુવાનો પણ સેવાભાવથી જોડાયા અને સમાજના અગ્રણીઓએ આ સેવાકાર્યનો યજ્ઞ સતત પ્રજ્વલિત રહે એ માટે રિન્કુભાઇની વ્હારે આવ્યા અને વિકટ સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવૃતિ ચાલુ રાખવાનો નિશ્ચય કર્યો.

દાહોદના સીમંધર સ્વામી જૈન દેરાસર ખાતે ચાલી રહેલા આ સેવાયજ્ઞમાં રોજના ૧૪૦૦ થી વધુ ટિફિન તૈયાર થાય છે. જમવાનું પણ જૈન-સાત્વિક, પૌષ્ટિક અને લહેજદાર બને. એક ટિફિનમાં બે સબ્જી, રોટલી, દાળ-ભાત અને એક મિઠાઇ હોય. ચોખ્ખું ઘી વાપરવામાં આવે. પુરીઓ પણ ચોખ્ખા ઘીમાં તળાય. મેનુ પણ રોજ બદલાય. રોજની ૧૪૦૦ ડીશો તૈયાર થાય તેનો રોજિંદો ખર્ચ ૬૦ હજારથી વધુનો આવે. જમણવાર તૈયાર કરનારથી સેવામાં રોકાયેલા લોકો સુધી સૌ કોઇ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને સામાજિક અંતરના નિયમો બરાબર પાળે. સવાર સાંજ ટિફિન આપવા જતા યુવાઓ પણ માસ્ક અને હેન્ડ ગ્લોવ અવશ્ય પહેરે અને કોવીડની તમામ સાવચેતીઓ રાખે. આ જરૂરી બાબત માટે બજેટનો એક નિશ્ચિત ભાગ અલાયદો રખાય.

ટિફિન માટે સવારથી ફોન આવવાના શરૂ થઇ જાય અને સવારે ૭૦૦ જેટલા ટિફિન તૈયાર થાય અને સાંજે પણ એટલા કે એથી પણ વધુ. ૩૫ યુવાઓની ટીમ તૈયાર ટીફીનો લઇને સમયથી નીકળી પડે અને લોકો સુધી ગરમ-ગરમ ભોજન જ પહોંચતું કરે. આ ટીફીનો શહેરના વિવિધ વિસ્તારોમાં હોમ કવોરન્ટાઇન લોકોથી લઇને દવાખાનામાં કોવીડ દર્દીઓ-તેમના સગા સુધી અને સ્મશાનમાં પણ પહોંચતા કરવામાં આવે છે. કેટલીક વખત ટિફિન વધે તો ગરીબ લોકોને વહેંચી દેવામાં આવે.

રિન્કુભાઇએ શરૂ કરેલી આ સેવાપ્રવૃતિ તેમના પિતા માટે સાચી શ્રદ્ધાંજલી બની છે. કોરોના સંક્રમિત થતા પરિવારો મોટી આફતમાંથી પસાર થતા હોય છે અને માનસિક રીતે પણ તુટી જવાનો અહેસાસ થતો હોય છે. ત્યારે શ્રી શ્વેતામ્બર સકલ જૈન સંઘ દ્વારા ચાલી રહેલો સેવાયજ્ઞ તેમને મોટી રાહત બને છે. કોરોનાના કસોટીકાળમાં  માનવતાનો સાદ ઝીલી લઇને આદરેલી સેવાપ્રવૃતિ લોકોની જઠરાગ્નિ ઠારવાનું મોટું પુણ્યકાર્ય બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.