Western Times News

Gujarati News

સાજા થઈને ઘેર આવેલા સૂર્યકાંતભાઈએ સયાજી હોસ્પિટલને કરી રૂ.૧૭ લાખની અદ્યતન જીવન રક્ષક એમ્બ્યુલન્સની સખાવત

સારૂ કામ કરવામાં કોઈને પૂછવા જવાની જરૂર ખરી? સૂર્યકાંતભાઈનો વેધક સવાલ

શહેરની નામાંકીત શિક્ષણ સંસ્થાઓના સંચાલક સુર્યકાંતભાઇ શાહ છેલ્લા કેટલાંક દિવસથી દવાખાનામાં કરોડરજ્જુની સારવાર લઈ રહ્યા હતા.હજુ ગઈકાલે જ તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી.

આજે તેમણે અને તેમના પુત્ર વિવેક સહિત સમગ્ર પરિવારે સયાજી હોસ્પિટલને કોરોના પીડિત દર્દીઓને લાવવા લઈ જવામાં ખૂબ જ ઉપયોગી બની રહે તેવી બાયપેપ વેન્ટિલેટરથી સુસજ્જ અદ્યતન જીવન રક્ષક એમ્બ્યુલન્સની સખાવત કરી હતી.તેનો સહર્ષ સ્વીકાર કરીને ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે દાતા પરિવારની આરોગ્ય સેવાના સંવર્ધનમાં યોગદાન આપવાની ભાવનાને પ્રેરક ગણીને બિરદાવી હતી.

સૂર્યકાંતભાઈએ જણાવ્યું કે કોવિડ સામેની લડતમાં કેવી રીતે મદદરૂપ બનવું એનું મનોમંથન હતું.આ ક્ષેત્રના મિત્રોની સલાહ થી આ ખૂબ અદ્યતન દર્દીવાહિની ઉપલબ્ધ કરાવવાનો વિચાર અમલમાં મૂક્યો.વચ્ચે કરોડરજ્જુની સારવાર માટે દાખલ થવું પડ્યું જે દરમિયાન આ આરોગ્ય રક્ષક વાહન અમારી પાસે આવી ગયું હતું.ગઇકાલે હોસ્પિટલમાંથી રજા મળી અને મારા દીકરા વિવેકે જણાવ્યું કે એમ્બ્યુલન્સ આવી ગઈ છે.એટલે શુભસ્ય શીઘ્રમના ન્યાયે અને દર્દીઓની જીવન રક્ષા માટે સયાજી હોસ્પિટલને તે અર્પણ કરી છે.

સમાજે જે મબલખ આપ્યું છે તેનું ઋણ ચૂકવવાનો આ પ્રયાસ છે.સારૂ અને સમાજ ઉપયોગી કામ કરવામાં કોઈને પૂછવા જવાની જરૂર ખરી ? એવા વેધક સવાલ સાથે તેમણે ખૂબ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.તેમના પારિવારિક મિત્ર ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે પુત્રના જન્મ દિવસને નિમિત્ત બનાવીને તેમણે આ પ્રેરક અને ઉમદા કામ કર્યું છે.

આ રોગચાળા ની શરૂઆતથી તેમની ઈચ્છા દર્દીઓની જીવન રક્ષામાં મદદરૂપ બનવાની હતી જે તેમણે રૂ.૧૭ લાખની કિંમતની ખૂબ અદ્યતન મેડિકલ વાન આપીને પૂરી કરી છે.તેઓ એક સારા ગાયક અને સંગીત પ્રેમી છે.આ પ્રસંગે શાહ પરિવારના સદસ્યો,સલાહકાર ડો.મીનુ પટેલ,તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર,વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.