Western Times News

Gujarati News

ક્રાઈમબ્રાંચે અમદાવાદમાંથી નકલી રેમડેસિવિર ઈન્જેકશનનું કૌભાંડ પકડ્યું

SVPનો કર્મચારી પણ રેમડેસિવિર સાથે પકડાયો

ક્રાઈમબ્રાંચની અન્ય એક ટીમ પણ તપાસમાં હતી ત્યારે જુહાપુરા, ફતેવાડી, નસીમપાર્ક ખાતે રહેતો અને એસવીપી હોસ્પીટલમાં નર્સીંગ સ્ટાફ તરીકે નોકરી કરતો ઈફતેકાર અહમદ નકવી પણ ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઉંચા ભાવે વેચતો હોવાની બાતમી મળી હતી

જેને પગલે નકલી ગ્રાહક ઉભો કરી તેને મળવા બોલાવી અંજલી ચાર રસ્તા ખાતેથી તેને ઝડપી લેવાયો હતો પુછપરછ કરતાં ઈફતેકારે મુળ પોતાની સાથે જ રહેતા અને પોતાના ગામનો વતની સોહેલ નકવી પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી ત્રણ ઈન્જેકશનો જપ્ત કરવામાં આવ્યા હતા.

(પ્રતિનિધિ) અમદાવાદ, એક તરફ કોરોનાની બિમારી નાગરીકોને આર્થિક તથા માનસિક રીતે તોડી રહી છે બીજી તરફ લેભાગુ તત્વો આ સ્થિતિમાં પણ નફો રળી લેવા ઉંચા ભાવની અથવા તો નકલી દવાઓ વેચી રહયા છે. આવા જ નકલી રેમડેસિવિર વેચતા શખ્શોનું ષડયંત્ર શહેર ક્રાઈમબ્રાંચે ઝડપી પાડયું છે.

માહીતીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ક્રાઈમબ્રાંચ અમદાવાદ અને વડોદરાના કુલ ૭ શખ્સો સુધી પહોંચી છે અને ૪૧૭ નકલી રેમડેસિવિરનો જથ્થો પકડયો છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પાલડી, જૈન સોસાયટીમાં આવેલા ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટમાં રહેતા રાજ જસ્મીન વોરા પાસેથી નિતેષ મોરી (મહાદેવ રેસીડેન્સી, નરોડા)એ સરકારમાં પીપીઈ કીટ સપ્લાય કરવાનું જણાવી ૩.૬૦ લાખ રૂપિયા લીધા હતા જાેકે તેણે રૂપિયા પરત ન કરતા રાજે વારંવાર માંગણી કરતાં નિતેશે તેની પાસે રેમડેસિવિરના ઈન્જેકશનો સસ્તા ભાવે આવ્યા છે જે ઉંચા ભાવે વેચીને નફો કમાવી લેવાની વાત કરી હતી

અને વસ્ત્રાપુરની હયાત હોટલમાં રોકાયેલા નિતેષે રાજને ૩૦ ઈન્જેકશનો આપ્યા હતા. રાજે પોતાના મિત્ર સનપ્રિતને (અક્ષર પાર્ક સોસાયટી, ચેનપુર) ર૦ ઈન્જેકશન વેચવા આપ્યા હતા જે સનપ્રિતે સાબરમતીની આદર્શનગર સોસાયટીમાં રહેતા જય ઉર્ફે સની રાજેન્દ્રસિંગ ઠાકુરને વેચવા આપ્યા હતા.

જય આવા ઈન્જેકશનો વેચતો હોવાની બાતમી મળતાં ક્રાઈમબ્રાંચના પીએસઆઈ એસ.જે. દેસાઈ ટીમ સાથે સક્રીય થયા હતા અને નકલી ગ્રાહકો ઉભા કરીને જયને ઝુંડાલ સર્કલ, ચાંદખેડાથી ઝડપી લીધો હતો તેની તપાસથી કરતા સનપ્રિત રાજ અને નિતેશના નામ બહાર આવ્યા હતા બીજી તરફ વસ્ત્રાપુરની હયાત હોટેલમાં રોકાયેલા મુળ નરોડાના નિતેષને હોટેલમાંથી જ એકવીસ લાખની રોકડ તથા ૧૦૩ રેમડેસિવિરના ઈન્જેકશનો સાથે ઝડપી લીધો હતો તેની સાથે કોચરબ ગામ, ઠાકોરવાસમાં રહેતા શક્તિસિંહ રાવતને પણ ઝડપ્યો હતો.

નિતેષની પુછપરછમાં બહાર આવેલી વિગતો જાણી ક્રાઈમબ્રાંચ પણ ચોંકી ઉઠી હતી મૂળ વડોદરામાં રહેતા અને ફાર્માસ્યુટીકલ તથા સર્જીકલનો વેપાર કરતા વિવેક મહેશ્વરી અને દિશાંત નામના વ્યક્તિઓ સાથે નિતેષને ઓળખાણ થઈ હતી થોડા સમય રેમડેસિવિરની માંગ વધતા બંનેએ રેમડેસિવિરના બદલે સેલ્બેકટમ એન્ટીબાયોટીક દવા તેને સ્ટીકર વગર આપી હતી.

જેથી નિતેષે પાલડીની વિતરાગ સોસાયટી સામે પુષ્કર-૪ માં રહેતા અને રાયપુરમાં પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતા પારીલ પટેલનો સંપર્ક કર્યો હતો જેણે રેમડેસિવિરના નકલી સ્ટીકરો તથા ખોખા બનાવી આપતા નિતેશ સેલ્બેકટમ એન્ટી બાયોટીક પર સ્ટીકર ચોંટાડી ખોખામાં પેક કરી રેમડેસિવિરના નામે વેચતો હતો તે વિવેક તથા દિશાંત પાસેથી કુલ પપ૦ ઈન્જેકશનો લઈ આવ્યો હતો જેમાંથી ૪૧૭ વેચાઈ ગયા હતા જયારે ૧૩૦થી વધુ ઈન્જેકશનો ક્રાઈમબ્રાંચની ટીમે જપ્ત કર્યા છે હાલમાં આ ષડયંત્રની સઘન તપાસ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.