Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં સાત સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટ યુધ્ધના ધોરણે નાંખવાની કામગીરી હાથ ધરાઇ

સરકાર અને પ્રજાએ એકજૂથ થઇ દર્દીનારાયણના સેવાયજ્ઞમાં જોડાઇ કોરોના સામે લડત આપવી પડશે -:ગૃહ રાજ્યમંત્રી શ્રી પદિપસિંહ જાડેજા

અમદાવાદ-સીંગરવા હોસ્પિટલની મુલાકાત લેતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિહ જાડેજા-‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનમાં આહવાન- કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં પ્રજાલક્ષી નિર્ણયો:-

હોસ્પિટલમાં ઉપકરણોની જરૂરિયાત સંતોષવા MLA ફંડમાંથી રૂપિયા ૨૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી
સિંગરવા હોસ્પિટલમાં ૫૦ બેડ વધારી ૧૦૦ બેડની યુધ્ધના ધોરણે વ્યવસ્થા કરાઇ – 10 Vantilatorની વ્યવસ્થા કરવામાં આવી

1 લી મે ગુજરાત સ્થાપના દિને સમગ્ર રાજ્યમાં શરૂ થઇ રહેલા ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનમાં રાજ્યભરના નાગરિકોને જોડાવવા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અપીલ કરી છે. મંત્રીશ્રી પોતાના મત વિસ્તાર સીંગરવા હોસ્પિટલની આજે મુલાકાત લીધી હતી.

તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય સ્તરે લોકોને કોરોના મુક્ત બનાવવા માટે દરેક ગામમાં “ગ્રામ યોદ્ધા કમિટી”નું ગઠન કરવામાં આવ્યું છે. આ ગ્રામ યોદ્ધા કમિટીમાં ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, પોલીસ કોન્સ્ટેબલ, કમિટી અધિકારી જેમાં આશા વર્કરો, ગામના આગેવાનો, સામાજિક-ધાર્મિક કાર્યકર્તાઓનો સમાવેશ થશે.

આ ગ્રામ યોદ્ધા કમિટીની સીધી દેખરેખ હેઠળ ગામના કોમ્યુનિટી હોલમાં કોરોના ગ્રસ્ત દર્દીને અલાયદા રાખીને કોરોનાની પ્રાથમિક સારવાર આપવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય સ્તરે દરેક તાલુકામાં ઓક્સીજનની જરૂરિયાત સંતોષવા માટે સાત જેટલા ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવનાર હોવાનું ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતુ. જેમાં દસક્રોઇ તાલુકામાં બે, ધોળકામાં એક, માંડલમાં એક, સાણંદમાં એક,સોલા સિવિલ ખાતે એક અને સિંગરવામાં એક ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧ કરોડ રૂપિયા જિલ્લા કોવિડ ગ્રાન્ટમાંથી, ૫૦ લાખ જિલ્લા પંચાયત કોવિડ ગ્રાન્ટ, રૂપિયા ૫૦ લાખ ડી.એમ.એફ ગ્રાન્ટ, ૫૦ લાખ જિલ્લા વિકાસ અધિકારી ગ્રાન્ટ, ૫૦ લાખ જિલ્લા સદસ્ય ગ્રાન્ટ તથા ચાર વિધાનસભ્યોના મળી ૧ કરોડ સાથે કુલ ૪ કરોડ રૂપિયા ૫ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ માટે વપરાશે. આ ઉપરાંત ૨૦૦ બેડની વેદાંતા મેકશીફ્ટ હોસ્પિટલ અમદાવાદ- સીંગરવા ખાતે ઉભી કરવાનો નિર્ણય કરાયો છે.

રાજ્યના સંવેદનશીલ મુખ્ય્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ દરેક ધારાસભ્યને પોતાના મતવિસ્તારમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં કાર્યરત હોસ્પિટલને તબીબી ઉપકરણો માટે ગ્રાન્ટની ફાળવણી કરવા કરેલા આહવાનને સ્વીકારીને ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતોના MLA ફંડમાંથી અમદાવાદ સીંગરવા હોસ્પિટલ માટે રૂ. ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવાની જાહેરાત કરી હતી.

જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી જરૂરી હોસ્પિટલમાં જરૂરી ઉપકરણો લાવવા આ માતબર રકમ લાભદાયી નિવડશે તેવો ભાવ ગૃહરાજ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લીખનીય છે કે, સીંગરવા હોસ્પિટલમાં અગાઉ ૫૦ બેડ કાર્યરત હતા જેમાં આજે ૫૦ બેડનો વધારી આ હોસ્પિટલમાં ૧૦૦ બેડની વ્યવસ્થા કરાઈ છે. આ હોસ્પિટલમાં ૧૦ ઈન્ટર્ન વિધ્યાર્થિઓને આવતીકાલથી જ જોડવમાં આવશે. આ સાથે 10 Vantilatorની વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં સિંગરવા સ્થિત હોસ્પિટલમાં લાગલગાટ કોરોનામાં કામગીરી કરી રહેલા તમામ હેલ્થકેર વર્કરોના સેવાભાવને બિરદાવીને તેમની દર્દીનારાયણની સેવા-શુશ્રુષાને તમણે આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ વેળાએ મીડિયા સાથે સંવાદ કરતા કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં એપ્રિલ મહિનામાં 8000 રેમડેસીવીર ઇન્જેક્શન કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે ઉપયોગમાં લેવાયા છે.

જિલ્લામાં કાર્યરત 27 ઘનવન્તરિ રથ દ્વારા 10 લાખથી વધુ લોકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પાંચ લાખ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 123 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાયા છે.

મંત્રીશ્રીએ સિંગરવા હોસ્પિટલની મુલાકાત દરમ્યાન વહીવટી તંત્ર સાથે સમગ્રતયા પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને હોસ્પિટલ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજીને દર્દીઓને સત્વરે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે દિશાનિર્દેશ કર્યું હતું.
આ વેળાએ તેઓએ કહ્યું કે, પ્રજા અને સમાજના શ્રેષ્ઠીઓ ની શક્તિ અમાપ છે. સરકાર અને પ્રજાના સહિયારા પ્રયાસોથી જ કોરોનાની આવી પડેલી મહામારી પર કાબુ મેળવી શકાશે.

હોસ્પિટલમાં દિવસ-રાત આ પ્રસંગે અમદાવાદના પૂર્વ મેયર શ્રી અમીતભાઈ શાહ, સ્થાનિ અગ્રણીઓ શ્રી કુંજનસિંહ, શ્રી જનકસિહ, શ્રી કાંતિજી ઠકોર, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ, સિંગરવા ગામના સરપંચશ્રી, અગ્રણીઓ, સિંગરવા હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સહિત નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનામાં જીવના જોખમે કામગીરી કરી રહેલા હેલ્થકેર વર્કરોના જુસ્સાને તેમણે બિરદાવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.