Western Times News

Gujarati News

ફરજનો સાદ : લગ્નના ચોથા જ દિવસે અમદાવાદ સિવિલના ડાયેટિશિયન ફરજ પર હાજર થયાં

ડાયેટ વિભાગના સહકર્મીઓ કોરોનાથી સંક્રમિત થતા નવોઢા આરતીબેને કામે વળગીને પરિસ્થિતિ સંભાળી

અંગત જીવન કરતાં દર્દીઓને પ્રાથમિકતા આપી : છેલ્લા એક વર્ષથી સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના ડાયેટિશિયનની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યાં છે –સ્વ નહીં પરંતુ સમષ્ટિ માટે કામ કરવાનો આ સમય છે : આરતીબેન ગજ્જર

લગ્નજીવનની હજૂ તો શરૂઆત જ થઇ હતી, હાથની મહેંદી પણ હજૂ સુકાઇ ન હતી, દાંપત્યજીવન શું હોય તે સમજવાના પ્રયત્નો કરી રહ્યાં હતાં, લગ્નજીવન બાદ મનના માણીગર સાથે સમય પસાર કરવાના સ્વપ્ન સેવતાં હતાં અને તેને જાણવાની કોશિશ જ કરી રહ્યાં હતાં. ત્યાં જ આરતીબહેનનો ફોન રણક્યો… “આપણા ડાયેટિશિયન વિભાગમાં છ મિત્રો કોરોના પોઝિટિવ થયા છે”. ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર આરતીબેને કહ્યું “હું કાલથી ડ્યુટી જોઇન કરું છું”.

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતાં આરતીબેન ગજ્જરના લગ્ન હજુ ગત 25મી એપ્રિલના રોજ ખંભાત ખાતે થયાં હતાં. તેમનાં દાંપત્યજીવનની હજુ શરૂઆત જ થઇ હતી. લગ્ન બાદ સ્વાભાવિક છે કે સાસરે રહીને નવજીવનને, નવી જવાબદારીઓને સમજવાની કોશિશ કરી રહ્યાં હતાં. ત્યાં જ તેમને જાણ થઇ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલના ડાયેટ વિભાગમાં તેમના મિત્રો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. પરિસ્થિતિ પારખીને આરતીબહેને પોતાની કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપવાનું પસંદ કર્યું. તમામ અરમાનો અને સપનાઓને બાજુમાં મૂકીને આરતીબહેને લગ્નના ચોથા જ  દિવસે ડયુટી જોઇન કરી લીધી. છેડાછેડીની ગાંઠ હજુ છૂટી પણ નહોતી, ત્યાં તેમણે ફરજ પ્રત્યેની ગાંઠ મનમાં બાંધી લીધી હતી.

આરતીબહેન ગજ્જર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી કોરોનામાં ફરજ અદા કરી રહ્યાં છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીને સમયસર ભોજન મળી રહે તે માટે દર્દીઓના અન્નપૂર્ણા બનીને કામગીરીનું ઉત્તમ ઉદાહરણ આરતીબેને પૂરું પાડ્યું છે. તેઓ વોર્ડમાં જઇને દર્દીઓને અલગ-અલગ સમયે સંતુલિત ખોરાક, તેમના શરીરની જરૂરિયાત મુજબનો ખોરાક નક્કી કરીને તેમને પહોંચતું કરે છે. ઘણી વખત વોર્ડમાં જઇને જે દર્દીઓ મોં વાટે ખોરાક નથી લઇ શકતા તેઓને રાઇલ્સ ટ્યુબ વડે ખોરાક ખવડાવે છે.

સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલનું એક્સટેન્શન એવી મંજુશ્રી કોવિડ હોસ્પિટલ જ્યારથી શરૂ થઇ ત્યારથી મંજુશ્રી હોસ્પિટલમાં પણ ડાયેટ વિભાગમાં ઉત્તમ કામગીરી કરીને દરિદ્રનારાયણની સેવાનું કામ આરતીબહેને કર્યું છે.

આરતીબહેન કહે છે કે લગ્નના ચોથા દિવસે જ્યારે મને જાણ થઇ કે મારા અન્ય સાથી મિત્રો કોરોનાથી સંક્રમિત થયા છે અને હોસ્પિટલને મારી જરૂર છે. ત્યારે કંઇ પણ વિચાર કર્યા વગર મેં મારી ડ્યુટી જોઇન કરી લીધી. આવી કપરી પરિસ્થિતિમાં અંગત જીવન કરતાં સમાજસેવા અને દેશસેવા વધુ જરૂરી છે. એક દર્દીને સમયસર જમવાનું મળી રહે તેની માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે મારા માટે મહત્ત્વનું છે, જેથી હું ખૂબ જ ટૂંકાગાળામાં ફરજ પર હાજર થઇ ગઈ.

આવી પરિસ્થિતિઓમાં સ્વને ભૂલીને સમષ્ટિનું વિચારી ફરજને પ્રાધાન્ય આપે તે જ સાચો કર્મચારી કહેવાય. આ જ બાબતને ધ્યાનમાં રાખીને દર્દીનારાયણની સેવા કરવા માટે હું લાગી ગઈ છું તેવું આરતીબહેન ઉમેરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.