Western Times News

Gujarati News

નકલી દવા બનાવનારને તાત્કાલિક કડક સજા થાય

કાયદાની છટકબારી શોધી કાળાબજારીયાઓ અને નકલી દવા બનાવતા તત્વો દેશભરમાં સક્રિય ઃ વર્તમાન કોરોના કાળમાં આવશ્યક ઈન્જેકશનોની નકલી બ્રાન્ડ બજારમાં મુકી ખુલ્લેઆમ નાગરિકોના જીવ સાથે રમત ઃ આરોપીઓ સામે દેશભરમાં રોષ – પકડાયેલા આરોપીઓને તાકિદે કડક સજા કરવા ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવાની માંગણી

વિશ્વના મોટાભાગના દેશોમાં માનવ જીવનના આરોગ્યને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે અને આરોગ્ય સાથે ચેંડા કરનાર તત્વોને કડક સજા કરવામાં આવતી હોય છે જેના પરિણામે આવા દેશોમાં નાગરિકોને નકલી ખાદ્ય પદાર્થો કે દવાઓ મળતી નથી હોતી અને તેમનું આરોગ્ય પણ સચવાઈ રહે છે

જયારે ભારત દેશમાં વિપરીત પરિસ્થિતિ જાેવા મળી રહી છે. દેશમાં નકલી દવા તથા આવશ્યક દવાઓના કાળાબજારની સાથે સાથે નકલી ખાદ્ય પદાર્થોનું પણ ધુમ વેચાણ કરવામાં આવી રહયું છે જેના પરિણામે ભારતીય નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહયા છે. વર્ષોથી આ ગેરકાયદેસર પ્રવૃતિ ધમધમી રહી છે

દેશના કેટલાક જાણીતા વિસ્તારો આવી પ્રવૃતિનું મુખ્ય હબ ગણાય છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે સંબંધિત વિભાગો જાણતા હોવા છતાં આ અંગે કોઈજ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી સાથે સાથે સરકારે પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ માટે કડક કાયદા નહી બનાવતા વર્તમાન કોરોના કાળમાં પણ આવા તત્વો સક્રિય બનેલા છે.

દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ફેલાયેલી છે અને તેના કારણે વ્યાપક પ્રમાણમાં ચેપ લાગતા મોટી સંખ્યામાં દર્દીઓ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહયા છે પ્રથમ લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે અને આ લહેરમાં વધુને વધુ નાગરિકો સપડાતા હોસ્પિટલોમાં પણ દર્દીને દાખલ કરવાની જગ્યા મળતી નથી સાથે સાથે ચિંતાજનક બાબત એ છે કે ગંભીર દર્દીઓને ઓક્સિજન મેળવવાના પણ ફાંફાં પડી રહયા છે.

સારવાર નહી મળવા ઉપરાંત ઓક્સિજનના અભાવે સંખ્યાબંધ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે આવા કપરા કાળમાં નાગરિકોના હ્ય્દય ખુબ જ હચમચી ગયા છે વર્તમાન કપરા સમયમાં પ્રત્યેક નાગરિક એકબીજાની સાર સંભાળ લેવાની સાથે સાથે ખુબ જ તકેદારી રાખે છે પરંતુ કેટલાક તત્વો આવા કપરા કાળમાં પણ ગેરકાયદેસર પ્રવૃતિ કરી રહયા છે.

કોરોનામાં જરૂરી ગંભીર દર્દીઓને અપાતા ઈન્જેકશનની બીજી લહેરમાં અછત સર્જાવા લાગી છે જેનો કેટલાક દયાહીન તત્વોએ લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત, દિલ્હી સહિતના રાજયોમાં ડ્રગ માફિયાઓએ આવા ઈન્જેકશનોના નકલી ઉત્પાદનની ફેકટરીઓ શરૂ કરી દીધી છે

એક બાજુ નાગરિકોને ઈન્જેકશન નહી મળતા તેમના પરિવારજનો રીતસર અહીં તહીં ભટકતા જાેવા મળે છે ત્યારે બીજીબાજુ માનવજીવનના દુશ્મન ગણાતા તત્વોએ આવા ઈન્જેકશનો બનાવવાની ફેકટરીઓ શરૂ કરી તેને વેચાણમાં મુકી દીધા છે. એકબાજુ ઈન્જેકશનોની અછત છે ત્યારે બીજીબાજુ નકલી ઈન્જેકશનો બજારમાં ફરતા કરવા માટે ચેઈન બનાવી દેવામાં આવી છે.

ગુજરાતમાં એક વ્યવસ્થિત ષડયંત્ર પકડાયું છે વલસાડ પાસે ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સોએ નકલી ઈન્જેકશનો બનાવવાની ફેકટરી જ શરૂ કરી દીધી હતી ગુજરાતમાં કેટલાક ડોકટરોએ ખાનગીરાહે આ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું અને સરકારે રાજયભરની પોલીસને એલર્ટ કરી તાત્કાલિક તપાસ કરવાનો આદેશ કર્યો હતો

જેના પગલે રાજયભરની પોલીસે તપાસ શરૂ કરતાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી હતી વલસાડ પાસે ફાર્મ હાઉસમાંથી નકલી ઈન્જેકશનો બનાવવાની ફેકટરી સ્થાનિક પોલીસે ઝડપી લીધા બાદ આરોપીઓની પુછપરછ કરવામાં આવતા મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હતી.

આરોપીઓ ગ્લુકોઝનું પાણી નાંખીને નકલી ઈન્જેકશનો બનાવી દેતા હતા અને આ ઈન્જેકશનો બજારમાં ફરતા કરતા હતાં. ચોંકાવનારી બાબત એ છે કે સંખ્યાબંધ ઈન્જેકશનો દર્દીઓને આપી દેવામાં આવ્યા છે પોલીસે આ અંગેની તમામ કડીઓ એકત્ર કરી છે અને અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં દરોડા પાડી આ સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા તમામને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યાં છે. ગુજરાત પોલીસની સતર્કતાથી આ એક ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે.

ગુજરાત ઉપરાંત દિલ્હી સહીતના રાજયોમાં પણ નકલી ઈન્જેકશનો બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે દેશભરમાં આ મુદ્દો હાલ ખૂબજ ચર્ચાસ્પદ બન્યો છે. વર્તમાન કોરોનાના કપરાકાળમાં પણ માનવ જીંદગીને જાેખમમાં મુકતા આવા તત્વો સામે તાત્કાલિક કડક સજાનો ચુકાદો આવે તેવુ લોકો ઈચ્છી રહયા છે.

ગુજરાતમાં પકડાયેલા તમામ આરોપીઓની હાલમાં પુછપરછ ચાલી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાતમાં બનાવવામાં આવેલા નકલી ઈન્જેકશનોના રેપર મુંબઈની એક ફેકટરીમાં છપાવવામાં આવ્યા છે પોલીસ ફેકટરી સુધી પણ પહોંચી ગઈ છે પ્રાથમિક તપાસમાં આ એક દેશવ્યાપી કૌભાંડ હોવાનું ચર્ચાઈ રહયું છે.

જાેકે હાલમાં સ્થાનિક પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. દિલ્હીમાં પણ તપાસ ચાલુ જ છે બીજીબાજુ પકડાયેલા શખ્સો સામે દેશભરમાં ભારે રોષ જાેવા મળી રહયો છે આરોપીઓએ બજારમાં ફરતા કરેલા સંખ્યાબંધ ઈન્જેકશનો કોરોનાના ગંભીર દર્દીઓને આપી પણ દેવામાં આવ્યા છે અને હાલમાં પોલીસ ભારે જહેમત ઉઠાવીને આવા દર્દીઓની યાદી તૈયાર કરી રહી છે અને કેટલાક દર્દીઓની તો ઈન્જેકશન લીધા બાદ કોઈ આડ અસર થઈ છે કે નહી તેની પુછપરછ પણ કરવામાં આવી રહી છે.

દેશભરમાં ફેલાયેલા નકલી દવા બનાવવાના કૌભાંડ ઉપરાંત કેટલાક તત્વો આવશ્યક દવાઓની કાળાબજારી કરવામાં પણ સક્રિય બનેલા છે. દેશભરમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરમાં અનેક નાગરિકો કોરોનાગ્રસ્ત બન્યા છે જેના પરિણામે દવાખાનાઓમાં દર્દીઓ માટે બેડ પણ ખુટી પડયા છે હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો જાેવા મળી રહી છે.

ગુજરાત, દિલ્હી સહિતના રાજયોમાં આવા દ્રશ્યો જાેવા મળી રહયા છે. પહેલી લહેર કરતા મોટી સંખ્યામાં વધુ નાગરિકો બીજી લહેરમાં કોરોનામાં સપડાતા કેસની સંખ્યાની સાથે સાથે મૃત્યુઆંકમાં પણ ખુબજ વધારો નોંધાયો છે આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી કેટલાક તત્વોએ ગંભીર દર્દીઓ માટે આવશ્યક ઈન્જેકશનોના કાળાબજાર શરૂ કરી દીધા છે.

ખુલ્લાબજાર નહીં વેચાતા આ ઈન્જેકશનો અવનવી તરકીબો વાપરી એકત્ર કરવામાં આવી રહયા છે અને ગેરકાયદેસર રીતે દર્દીના સગાઓનો સંપર્ક સાંધી ચારથી પાંચ ગણી વધુ કિંમત લઈ વેચવામાં આવી રહયા છે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃતિ ઠેરઠેર ચાલી રહી છે. ગુજરાતમાં કાળાબજાર કરતા કેટલાક શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ આ પ્રવૃતિ ચાલુ જ હોય તેવો આક્ષેપ થઈ રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.