Western Times News

Gujarati News

કોરોનાના આ વસમા કાળમાં પ્લાઝમા થેરાપી કઇ રીતે કાર્ય કરે છે ? જાણો

15 તાલીમાર્થીએ પ્લાઝ્માનું દાન કરીને સમાજ પ્રત્યે દાયિત્વ ની ફરજ અદા કરી

સંભવત: એક વ્યક્તિના શરીરમાંથી કાઢેલા પ્લાઝમાંની મદદથી બે લોકોની સારવાર સંભવ છે.

અમદાવાદ, કોઇપણ સોશિયલ મીડિયાનો જો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો તેના પરિણામ હંમેશા હિતકારી હોય છે. ખાસ કરીને કોરોનાના આ વસમા કાળમાં સોશિયલ મીડિયા ટેક્નોલોજીનો સુંદર ઉપયોગ તો ખરેખર ઇચ્છનીય છે.

પ્લાઝમા થેરાપી કંઇ રીતે કાર્ય કરે છે ?

વ્યક્તિને એક વખત કોરોના થઇ ગયો હોય અને બાદમાં સ્વસ્થ થઇ જાય ત્યારે તેમના શરીરમાં એન્ટીબોડી નિર્માણ પામે છે. આ એન્ટીબોડીઝ તેને ઠીક કરવામાં મદદરૂપ બને છે. આવા વ્યક્તિ જો રક્તદાન કરે ત્યારે તેના લોહીમાંથી પ્લાઝમાં કાઢવામાં આવે છે.

આ પ્લાઝમામાં આવેલા એન્ટીબોડીઝ જ્યારે અન્ય કોઇ કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં નાંખવામાં આવે ત્યારે આ બીમાર દર્દીના શરીરમાં એન્ટીબોડીઝ પ્રવેશે છે જે મહદઅંશે કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના સામે લડત આપવામાં સ્વસ્થ કરવામાં અસરકારક નિવળે છે. સંભવત: એક વ્યક્તિના શરીરમાંથી કાઢેલા પ્લાઝમાંની મદદથી બે લોકોની સારવાર સંભવ છે. કોરોના સંક્રમિત થયા બાદ નેગેટીવ થયાના બે સપ્તાહ બાદ પ્લાઝમાં ડોનેટ કરી શકાય છે.

તાજેતરમાં જ કરાઈ પોલીસ તાલીમ અકાદમીએ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તંત્રએ સોશિયલ મીડિયાનો આવો જ સુંદર ઉપયોગ કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે પ્લાઝ્મા ડોનેશનનો રસ્તો જોતજોતામાં ઘણો જ સરળ બનાવી દીધો હતો.

તાજેતરમાં જ ગુજરાતના નવા તેજતર્રાર પોલીસ અધિકારીઓ તૈયાર કરીને સમાજને સમર્પિત કરવાનું મોંઘેરું દાયિત્વ ધરાવતી ‘કરાઈ પોલીસ તાલીમ અકાદમી’ના એસ.પી. શ્રી હરેશ દુધાતે તેમના ટ્વિટર હૅન્ડલ પરથી તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થઈ સાજા થયા હોય તેવા 28 તાલીમાર્થીઓ પ્લાઝ્મા ડોનેટ કરવા માગે છે તેવી ઇચ્છા વ્યક્ત કરી. અને જવાનોના નામ, બ્લડ ગ્રૂપ, મોબાઇલ નંબર જેવી વિગતો આપી સંપર્ક કરવાની તૈયારી દર્શાવી હતી.

થોડા સમયમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરાઈ પોલીસ તાલીમ અકાદમીના એસ.પી. શ્રી હરેશ દુધાતના ટ્વિટને રિપ્લાય આપવામાં આવ્યો જેમાં તેમને પ્લાઝ્મા ડોનેશન માટેના ધારાધોરણોની વિગત આપવામાં આવી હતી.

ત્યારબાદ સિવિલ હોસ્પિટલની ‘બ્લડ બૅન્કની વૅન’ એન્ટિ-બોડી ટાઇટર કરવા કરાઈ તાલીમ અકાદમી ગઈ હતી. ત્યાં જઈ કુલ 28 તાલીમાર્થીના એન્ટિ-બોડીઝ ટાઇટલ લેવાયા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ આવીને મશીનમાં તેને ચકાસવામાં આવ્યા જેમાંથી 15 તાલીમાર્થીના ટાઇટલ પોઝિટિવ આવ્યાં હતાં.

મંગળવારે સિવિલ હોસ્પિટલની બ્લડ બૅન્કમાં આ 15 તાલીમાર્થીઓએ પ્લાઝ્માનું દાન કરીને સમાજ પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. કરાઇ પોલીસ તાલીમ એડેમની નાયબ નિયામક શ્રી હરેશ દુધાત જણાવે છે કે, કોરોના મહામારી સામેની લડતમાં પ્લાઝ થેરાપી પણ બહુમુલ્ય ભાગ ભજવે છે. કોરોના સંક્રમિત થઈ નેગેટીવ થઈ ગયા બાદ લોકોએ અચૂકથી પ્લાઝમાં ડોનેટ કરવું જોઇએ. જેના થકી અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ બની શકાય છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે દિવસ-રાત મહેનત કરી રહી હોય ત્યારે આ સેવાયજ્ઞમાં અમારા પોલીસ જવાનોને જોડાવવાનો સમગ્ર અકાદમીને આનંદ છે. કરાઇ પોલીસ તાલીમ એકેડમીના ડાયરેક્ટર જનરલ શ્રી વિકાસ સહાય, કરાઇ પોલીસ અકાદમીના પ્રિન્સીપાલ શ્રી એન. એન. ચૌધરીના સતત માર્ગદર્શન હેઠળ પ્લાઝમાં ડોનેશનની સંપૂર્ણ પ્રવૃતિ હાથ ધરાઇ છે.

સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદીએ કરાઇ પોલીસ તાલીમ એકાદમીના ભાવિ પોલીસ જવાનોનું પ્લાઝમાં ડોનેશન કરવા બદલ અને કોરોના સામેની લડતમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરી તેમના સેવાભાવ ને બિરદાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.