Western Times News

Gujarati News

કોવિડ કેર સેન્ટરમાં સઘન સારવાર થકી નાના નાયતા ગામના સવિતાબેને જિત્યો કોરોના સામે જંગ

સવિતાબેનને એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેમના ૮૦ ટકા ફેફસા કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા હતા ઓક્સિજન લેવલ ૬૦ ટકા થઈ ગયું હતું

કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી હતી તે સમયે ઝડપથી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિતના સ્થળોએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. સરીયદ ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર ખાતે કોવિડ-૧૯ની સમયસર સારવાર મળતાં પાટણના નાના નાયતા ગામના સવિતાબેન ઠાકોર માત્ર ૧૦ જ દિવસમાં સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા.

વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસકર્મી પ્રવિણભાઈ ઠાકોરના માતા સવિતાબેન ઠાકોર કોરોનાથી સંક્રમિત થયા હતા. ગત તા.૨૬ એપ્રિલના રોજ તેમની તબીયત લથડતાં સરીયદ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં સારવારની સુવિધા ઉપલબ્ધ હોવાથી સવિતાબેનને દાખલ કરવામાં આવ્યા.

સારવાર અંગે વાત કરતાં ડૉ.મિતેષભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, સવિતાબેનને એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેમનો એચ.આર.સી.ટી. સ્કોર ૨૦ જેટલો હતો, એટલે કે તેમના ૮૦ ટકા ફેફસા કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા હતા. જેના કારણે તેમનું ઓક્સિજન લેવલ પણ ૬૦ ટકા થઈ ગયું હતું.

સવિતાબેનના શરીરમાં ઘટી ગયેલા ઓક્સિજનના સ્તર અને તેમના ફેફસા પર થયેલી ગંભીર અસરના કારણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમની ઓક્સિજન સાથેની સારવાર શરૂ કરાઈ. આ સઘન સારવાર દરમ્યાન સવિતાબેનને રેમડેસિવિર ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા. સતત પાંચ દિવસ સુધી ઓક્સિજન, જરૂરી ઈન્જેક્શન, દવાઓની સાથે સાથે ફિઝીયોથેરાપી સહિતની સારવાર આપવામાં આવતાં તેમની તબીયત સ્થિર થવા લાગી.

તબીબોનો આભાર માનતા પ્રવિણભાઈ કહે છે કે, કોવિડ કેર સેન્ટરમાં મળેલી સમયસરની શ્રેષ્ઠ સારવાર સાથે ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની મહેનતથી મારા મમ્મી મને પાછા મળ્યા છે.   દસ દિવસની સઘન સારવાર બાદ રિકવર થયેલા સવિતાબેનને વધુ બે દિવસ મોનિટરીંગમાં રાખી પૂર્ણ સ્વસ્થતા સાથે તેમને કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી.

સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.