Western Times News

Gujarati News

ચક્રવાત હોવા છતાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત

ચક્રવાત તાઉતે પણ પશ્ચિમ રેલવેના ઓક્સિજન પુરવઠાના મિશનને અસર કરી શક્યું નથી અને પશ્ચિમ રેલવેએ ગુજરાતના હાપા, મુંદ્રા અને વડોદરાના ચક્રવાત અસરગ્રસ્ત વિસ્તારોમાં તેના ટર્મિનલ માંથી કોઈ વિક્ષેપ વિના ઓક્સિજન (LMO) જોરશોરથી સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું છે.

પશ્ચિમ રેલવેએ 16 મેના રોજ ગુજરાતમાંથી 214 ટન અને 17 મે, 2021 ના રોજ 151 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજન દેશના વિવિધ ભાગોમાં પરિવહન કર્યું હતું.  25 એપ્રિલ, 2021 થી પશ્ચિમ રેલવેએ ઓક્સિજન ટેન્કર મારફતે લિકવિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું અને દેશના વિવિધ રાજ્યોમાં દરરોજ સરેરાશ 134 ટન ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.

પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં તેના ટર્મિનલ માંથી વિવિધ રાજ્યોમાં ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરતા 3057 ટન ઓક્સિજનનું પરિવહન કર્યું છે અને ચક્રવાતને કારણે સર્જાયેલી  પરિસ્થિતિ હોવા છતાં લિકવિડ મેડિકલ ઓક્સિજનના લોડિંગ અને પરિવહન ની ખાતરી કરવાનું ચાલુ રાખ્યું છે. મધ્ય રેલવે પણ ચક્રવાતથી ઉદ્ભવતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને ઓક્સિજન એક્સપ્રેસની હિલચાલને સામાન્ય રાખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

શ્રી આલોક કંસલ, જનરલ મેનેજર – પશ્ચિમ રેલવે

મધ્ય રેલવેએ 17 મેના રોજ 08 ખાલી ઓક્સિજન ટેન્કરો ઓડિશાના અંગુલમાંથી ઓક્સિજન ભર્યા પછી નાગપુર પાછા લાવવા માટે નાગપુરથી અંગુલ મોકલ્યા હતા. પશ્ચિમ અને મધ્ય રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને ચક્રવાત માંથી ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન અને તૈયારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

શ્રી કંસલ, ચક્રવાત દરમિયાન લિકવિડ મેડિકલ ઓક્સિજનના પરિવહન પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે અને તેમણે ગુજરાતના મુખ્ય સચિવ અને મ્યુનિસિપલ કમિશનર – બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરી હતી જેથી ચક્રવાત નો સામનો કરવામાં રેલવેને સંપૂર્ણ ટેકો આપવામાં આવે અને આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઓક્સિજનનું પરિવહન ચાલુ રાખવામાં આવે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલ એક પ્રેસ રિલીઝ માં જણાવ્યું છે કે, 16 અને 17 મે, 2021 ના રોજ દેશના વિવિધ ભાગોમાં અનુક્રમે 214 ટન અને 151 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કરવામાં આવ્યું હતું. 16 મે, 2021 ના રોજ પશ્ચિમ રેલવેએ ગુજરાતના હાપાથી ત્રણ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરી હતી.

તેમાંથી બે દિલ્હી કેન્ટ સુધી સંચાલિત થઈ હતી જ્યારે બીજી ટ્રેન ઉત્તર પ્રદેશના કંકાપુરા સુધી સંચાલિત થઈ હતી. આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો માટે ટેન્કરો મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા.  17 મે, 2021 ના રોજ પશ્ચિમ રેલવેએ વડોદરાથી દિલ્હી કેન્ટ સુધી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી હતી. આ માટે મેસર્સ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ દ્વારા ટેન્કર પૂરા પાડવામાં આવ્યા હતા. તે જ દિવસે હાપાથી દિલ્હી કેન્ટ સુધી બીજી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી હતી.

શ્રી ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે પશ્ચિમ રેલવેએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં તેની 34 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો મારફતે અત્યાર સુધીમાં 3057 ટન લિકવિડ મેડિકલ ઓક્સિજનનું પરિવહન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.