Western Times News

Gujarati News

ડોકટર – નર્સ ગામડામાં પણ સેવા આપેઃ ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ: કોરોના વાયરસની બીજી લહેર સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત સમગ્ર દેશ માટે ઘાતકી સાબિત થઈ છે. એમાં પણ આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં હવે કોવિડ-૧૯ની ત્રીજી લહેર આવવાનું જાેખમ ઉભું થયું છે. આ મહામારીના સમયમાં આરોગ્ય ટિમ જ “દેવના દૂત” સાબિત થઈ છે. જાે કે, કેસ વધતા આરોગ્ય સેવાની ઘટ જરૂર વર્તાઈ હતી. એમાં પણ ખાસ કોરોનાની બીજી લહેરે ગામડાંઓમાં વધુ ઘમાસાણ મચાવતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વચ્ચે ડોક્ટરો ખાસ ગ્રામ્ય વિસ્તારમાં ફરજીયાતપણે સેવા પૂરી પાડે તે સુનિશ્ચિત કરવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે.

હાઈકોર્ટે કહ્યું કે કોવિડ -૧૯ના પગલે ગ્રામીણ વિસ્તારો અને પ્રશાસન તાલીમબદ્ધ તબીબી કર્મચારીઓ સેવા આપે તે માટે સંઘર્ષ કરી રહ્યા છે. તબીબી સ્ટાફે ગ્રામીણ વિસ્તારોમાં ફરજિયાત સેવા આપવી જ જાેઈએ. કોરોના પરિસ્થિતિ મુદ્દે સુઓમોટો અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને ન્યાયાધીશ બાર્ગવ કારિયાની ખંડપીઠે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં રોગના ઝડપથી ફેલાવા અંગે કોર્ટ ચિંતિત છે. ટેસ્ટિંગ માટે પણ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી અને રિપોર્ટ પણ મોડા આવે છે. પરિણામે દર્દીને સારવાર મોડી મળે છે.

તંત્ર દ્વારા બસ આંકડાઓ જારી કરાય છે. ન્યાયાધીશોએ કહ્યું કે, “અમે આંકડા પ્રમાણે નહીં જઈશું.” ગ્રાઉન્ડ પરની પરિસ્થિતિને આધારે જે ડેટા મળે છે તેમાં સુધારા થવા જ જાેઈએ. ખંડપીઠે કહ્યું કે અમે ટેસ્ટિંગની સુવિધા, રીમડેસિવીર ઈન્જેકશન, ઓક્સિજન અને ડોકટર સહિત નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા છે કે કેમ ? તે સખત વાસ્તવિકતાઓને જાણવા માગીએ છીએ. અમે એ પણ જાણવા માંગીએ છીએ કે પીએચસી અને સીએચસી કેન્દ્રો વ્યવસ્થિત રીતે કાર્યરત છે કે કેમ ?? તેમની પાસે પૂરતા તબીબી સ્ટાફ અને દવાઓ છે ?? આ બધા પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતી ૨૪ મે સુધીમાં આપવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.

હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે, પ્રયત્નો છતાં સરકારને પ્રશિક્ષિત ડોકટરોની સેવા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે જસ્ટિસ ત્રિવેદીએ કહ્યું કે સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરોની સેવા ફરજિયાત કરવી પડશે. તમારે આ ફરજિયાત બનાવવું જ પડશે. ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ગ્રામીણ વિસ્તારોમાં જવા માટે તૈયાર નથી તેવા બહાનાને અવકાશ હોવો જ ન જાેઈએ. સરકારને ટકોર કરતા કહ્યું કે તમારે પગ નીચે મૂકવો જ પડશે. ગ્રાઉન્ડ લેવલે ઉતરવું જ પડશે. કોઈપણ રીતે. આ રોગચાળો છે અને તમારે તેનાથી લોકોને બચાવવા ગ્રામીણ વિસ્તારો અથવા અર્ધ-શહેરી વિસ્તારોમાં નિષ્ણાતોની ટીમો મોકલવી જ જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.