Western Times News

Gujarati News

અમદાવાદમાં હોમગાર્ડના બે જવાને ૫૦૦ રૂપિયા પડાવ્યા

જાગૃત નાગરિકે ભણાવ્યો પાઠ-ભત્રીજાને એરપોર્ટ મુકવા માટે જઈ રહેલા ફરિયાદીને રોકીને કર્ફ્‌યૂ ભંગ કર્યો હોવાનું કહી હોમગાર્ડે રૂપિયા પડાવી લીધા

અમદાવાદ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસની છબી સુધારવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ કેટલાક હોમ ગાર્ડ, ટીઆરબી કે પોલીસના જવાનોએ જાણે કે ના સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ઓઢવ વિસ્તારમાં ભત્રીજાને એરપોર્ટ મુકવા માટે જઈ રહેલા ફરિયાદીને રોકીને કર્ફ્‌યૂ ભંગ કર્યો હોવાનું કહી રૂપિયા ૫૦૦ પડાવી લેતા બે હોમગાર્ડના જવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મૂળ તામિલનાડુના અને હાલમાં ઓઢવ વિસ્તારમાં રહેતા મોહનભાઈ સેરવાઈ તેમના ભત્રીજાને એરપોર્ટ જવાનું હોવાથી ૨૦મી એપ્રિલે સવારના પોણા પાંચ વાગે તેઓ તેમના ઘરેથી નીકળ્યા હતાં. ત્યારે પાંચ વાગ્યાની આસપાસ ઓઢવ ભિક્ષુક ગૃહ બસ સ્ટેન્ડ પાસે બે ખાખી ડ્રેસ વાળાએ તેમને રોક્યા હતા અને કર્ફ્‌યૂ ભંગ કરીને તેમની પાસેથી રૂપિયા ૫ હજાર દંડની માંગણી કરી હતી.

ફરિયાદીએ પોતાની પાસે આટલા રૂપિયા ના હોવાનું અને તેમના ભત્રીજાને એરપોર્ટ પહોંચવાનું હોવાથી આ બંને જવાનોને જવા દેવા માટે આજીજી કરી હતી. પરંતુ તેમણે અંતે ફરિયાદી પાસેથી રૂપિયા ૫૦૦ પડાવી તેમની ગાડીના કાગળો અને લાયસન્સ પરત કર્યું હતું.

ફરિયાદીએ આ બાબતની જાણ તેના પુત્રને કરતા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પુત્રએ આ બાબતની અરજી ઓનલાઈન પોલીસ કમિશનરને કરી હતી. બાદમાં ફરિયાદીને ડીસીપી ઓફિસ બોલાવ્યા હતા. જ્યાં કેટલાક હોમગાર્ડના જવાનોના ફોટો બતાવતા ફરિયાદીએ તેમની પાસેથી રૂપિયા પડાવી લીધેલ બંનેને ઓળખી લીધા હતા. જેથી ઓઢવ પોલીસે સંજય મકવાણા અને મનોજ રાઠોડ નામના વ્યક્તિની સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.