Western Times News

Gujarati News

કોરોના મહામારીના સમયમાં પણ બાયડ પાલિકાની સફાઇ બાબતે ગંભીર બેદરકારી આવી સામે

અરવલ્લી જિલ્લાના બાયડમાં દહેગામ રોડ પર આવેલ પાલિકા સંચાલિત શૌચાલય ની બાજુમાં શહેરની કેટલીક હોસ્પિટલોનો જોખમી બાયો મેડીકલ વેસ્ટ ઠાલવવામાં આવતાં ત્યાં નજીકની સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

કોરોના સમયમાં સંક્રમણ ના ફેલાય તે માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે અને સરકાર દ્વારા સ્વચ્છતા જાળવવા નાગરિકોને વારંવાર અપીલ કરવામાં આવે છે, ત્યારે બાયડ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. બાયડમાં ઘણી ખાનગી હોસ્પિટલોમાં કોવીડ દર્દીઓની સારવાર ચાલી રહી છે, ત્યારે હોસ્પિટલોનો જોખમી બાયો મેડીકલ વેસ્ટ જાહેર માર્ગ પર ઠલવાતાં માર્ગ પરથી પસાર થતાં લોકો તેમજ અહીના રહીશોનું આરોગ્ય જોખમાઈ શકે છે.

આ ઉપરાંત બાયડ – દહેગામ રોડ નજીક ઈરીગેશન કોલોની, વિવેકાનંદ સોસાયટી, યોગેશ્વર સોસાયટી તેમજ અન્ય સોસાયટીઓ અને વસાહતો આવેલી છે, જ્યારે ઈરીગેશન કોલોનીની પાસે કોર્ટ આવેલી છે જેને લઈને સતત લોકોની અવર જવર ચાલુ રહે છે, તેમ છતાં બાયડ નગરપાલિકા દ્વારા આ બાયોમેડિકલ વેસ્ટ ઠાલવતી હોસ્પિટલો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. આ સિવાય રોડ પર રખડતા ઢોર તેમજ ગાયો પણ આ જોખમી કચરો ખાય છે.  આ અંગે જાગૃત નાગરીકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા બાયડ નગરપાલિકામાં ઘણી વખત જાણ કરવામાં આવી હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

બાયડ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર પડેલ જોખમી બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ તાત્કાલિક કરી આ કચરો ઠાલવતી હોસ્પિટલો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી બાયડની જાગૃત જનતાની માંગ છે.   ઉલ્લેખનિય છેકે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે બાયડ નગર પાલિકામાં ભાજપની સત્તા હોવા છતાં પાલિકા દ્વારા વિસ્તારમાં સ્વચ્છતા અંગે ઘોર બેદરકારી દાખવી વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત અભિયાનને ધક્કો પહોંચાડવામાં આવી રહ્યો છે.

દિલીપ પુરોહિત.  બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.