Western Times News

Gujarati News

લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં ખૂંટા મારવા પર ઉપર બે માસ  સુધી પ્રતિબંધ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં યાંત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ મુકવા આદેશ કરેલ છે. બંદર અને મત્સોદ્યોગ વિભાગ,ગાંધીનગરના નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એન્જીન, સ્ટેઈક નેટસ, બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના ઉભી કરી શકાશે નહી તે મતલબની પણ જોગવાઈ છે.આમ, ઉક્ત જોગવાઈથી બોટ તેમજ યાંત્રિક બોટ દ્વારા થતી માછીમારી ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. તેમજ ક્લોઝ-૬(૮)(એફ) થી (૧) ટોર ટોર (૨) હિલ્સા તથા (૩) રોઝનબર્ગી માછલી અને ઝીંગાની પ્રજાતિઓને અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત રાખવામાં આવેલ છે.

ચોમાસાની સીઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા માછલી પ્રજનન માટે દરીયાના પાણીથી ઓછી ખારાશવાળા નદીના મીઠા પાણીવાળા વિસ્તાર તરફ આવતી હોય છે. હિલ્સા માછલી જૈવિક લાક્ષણિકતા ધરાવે છે અને ખૂબ જ ઓછા જળાશયોમાં તે ઉપલબ્ધ થાય છે. જેથી ઉક્ત જણાવેલ પ્રતિબંધ અમલમાં હોવા છતાં ઘણા માછીમારો દ્વારા ભરૂચ જિલ્લામાંથીએ પસાર થતી નર્મદા નદીમાં બોટ તથા યાંત્રિક બોટથી માછીમારી કરવામાં આવે છે

તેમજ અનુભવે જણાયેલ છે કે, ઉક્ત આદેશની અવગણના કરી નર્મદા નદીના કિનારે આવેલ ગામો કુકરવાડા,વેરવાડા,વડવા, ભાડભૂત,કાસવા,સમની,મનાડ, મહેગામ,દહેજ,લુવારા,અંભેટા,જાગેશ્વર,સુવા,વેંગણી, કોલિયાદ,કલાદરા વિગેરે ગામોના કિનારા વિસ્તારમાં કેટલાંક સ્થળે નદીના અંદરના ભાગમાં મચ્છીમારી માટેની સીઝનની પૂર્વ તૈયારી ભાગરૂપે ખૂંટા-ગલાના સ્વરૂપે નાંખવામાં આવે છે.

ચોમાસાની સીઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા મચ્છી પ્રજનન માટે દરિયાના પાણીથી ઓછી ખારાસવાળા નદીના મીઠા પાણીવાળા વિસ્તાર તરફ આવતી હોય છે જેથી ખૂંટા પધ્ધતિથી થતી માછીમારીથી હિલ્સા નર – માદા મચ્છીને નર્મદા નદીમાં પ્રવેશતાની સાથે માસકેપ્ચર કરી લેવામાં આવે છે તેમજ ખૂંટા-ગલાનાં નાખવાને કારણે હોડીઓ પાણીમાં વચ્ચે લગાડેલ ખૂંટાઓમાં જાળો ફસાઈ જવાથી નુકશાન થવા ઉપરાંત હોડી પણ ઉંધી વળી જવાની અને જાનહાનિ થવાની સંભાવના છે.

નર્મદા નદીમાં મંડાળા બાંધી ખૂંટા ચોડી જાળો બાંધવાના અવરોધથી નર્મદા નદીમાં અવર જવર કરતી હોડીઓને અડચણરૂપ થાય છે તેમજ હોડી જાળમાં ફસાઈ જાય તો હોડી ડૂબી જવાથી અકસ્માત થવાની શક્યતા રહેલી છે તેમજ જાનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે ઉપરાંત નદીમાં ભરતી સમયે આ ખૂંટાઓ પાણીના નીચે તળિયાને ભાગે જતા રહેતા હોવાથી દેખાતા બંધ થવાથી મોટી દુર્ઘટના પણ થવાનો ભય રહેલ છે.

ઉપરના કારણોને ધ્યાને લઈ હાલમાં લોકો હોડીઓની મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોઈ આ અવર જવર કરતાં હોડી, વહાણ કે તેમા રહેલ કોઈ પણ વ્યક્તિને થતી અડચણ નુકશાન અટકાવવા તથા લોકોની જાન કે સલામતીને થતુ જોખમ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા ચોડવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂ એ ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવવા આથી હુકમ કરવામાં આવે છે.

જીલ્લામાં આ પ્રતિબંધ માંથી નોન મોટરાઈઝડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.  આ હુકમનો અનાદર કરનાર ઈન્ડિયન પીનલ કોડ હેઠળ શિક્ષાપાત્ર-ગુન્હાનેપાત્ર થશે એમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચે એક હુકમ દ્વારા જણાવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.