Western Times News

Gujarati News

ઈથેનોલ ક્ષેત્રમાં ભારતની છલાંગ: ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦% ઈથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્યાંક

વિશ્વ પર્યાવરણ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનનું સંબોધન-પુણેમાં ઈથેનોલનાં દેશભરમાં ઉત્પાદન અને વપરાશ માટેનો ઈ-૧૦૦ પ્રોજેક્ટ ખુલ્લો મૂકતા વડાપ્રધાન મોદીઃ 

નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેમજ પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલયનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમનું વિડીયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને પુનામાં એક ખેડૂત સાથે વાતચીત કરી હતી કે જેણે ખેતીવાડીમાં બાયોફ્યુઅલનાં વપરાશ દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગનો અનુભવ વર્ણવ્યો હતો.

વડાપ્રધાને ભારતમાં ઈથેનોલ બ્લેન્ડીંગ ૨૦૨૦-૨૫નો નિષ્ણાત સમિતિનો અહેવાલ પણ રજૂ કર્યો હતો. તેમણે દેશભરમાં ઈથેનોલનાં ઉત્પાદન અને વિતરણ માટેનો મહત્વાકાંક્ષી ઈ-૧૦૦ પાયલોટ પ્રોજેક્ટ પણ પુનામાં ખૂલ્લો મૂક્યો હતો. આ વર્ષનાં કાર્યક્રમની થીમ વધારે સારા પર્યાવરણ માટે બાયોફ્યુઅલને પ્રોત્સાહન છે. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ નીતિન ગડકરી, નરેન્દ્રસિંઘ તોમર, પ્રકાશ જાવડેકર પિયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઈથેનોલ સેકટરનાં વિકાસને રોડમેપ તૈયાર કરીને ભારતે મોટો કૂદકો લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે ૨૧મી સદીમાં ભારત માટે ઈથેનોલ તે મુખ્ય અગ્રિમતાઓની એક હશે. તેમણે જણાવ્યું કે ઈથેનોલ પરનું લક્ષ્યતે પર્યાવરણ પર સારી અસર પાડશે અને તેની સાથોસાથ ખેડૂતોનાં જીવનને પણ વધુ સારું કરશે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર વર્ષ ૨૦૨૫ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડીંગનું લક્ષ્યાંક સિધ્ધ કરવા પ્રતિબધ્ધ છે. અગાઉ આ લક્ષ્યાંક વર્ષ ૨૦૩૦ સુધીનું નક્કી કરવામાં આવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૧૪ સુધી ભારતમાં માત્ર ૧.૫ ટકા ઈથેનોલનું બ્લેન્ડીંગ થતું હતું. જે હવે ૮.૫ ટકા પર પહોચ્યું છે. વર્ષ ૨૦૧૩-૧૪ સુધી ભારતમાં અંદાજે ૩૮ કરોડ લિટર ઈથેનોલની ખરીદી થતી હતી. જે હવે ૩૨૦ કરોડ લિટર પર પહોંચી છે. તેમણે જણાવ્યું કે ઈથેનોલની ખરીદીને કારણે દેશનાં શેરડીનાં ખેડૂતોને મોટો ફાયદો થયો છે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે ૨૧મી સદીમાં ભારત પોતાની ઉર્જાની જરૂરિયાત આધુનિક વિચારધારા અને આધુનિક નીતિઓ દ્વારા નક્કી શકશે. આ વિચારધારા સાથે સરકાર પ્રત્યેક ક્ષેત્રમાં સતત નીતિવિષયક ર્નિણયો લઈ રહી છે. તેમણે જણાવ્યું કે આજે દેશમાં ઈથેનોલમાં ઉત્પાદન અને વિતરણ માટે જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓનાં નિર્માણ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. કૃષિ કચરામાંથી ઈથેનોલનાં નિર્માણ માટે આધુનિક ટેકનોલોજી ધરાવતા પ્લાન્ટસ સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે.

વડાપ્રધાને પોતાનાં સંબોધનમાં જણાવ્યું કે ભારત આજે ક્લાઈમેટ જસ્ટીસમાં મજબૂત ભાગીદાર તરીકે ઉભર્યું છે અને તે ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ જેવી વૈશ્વિક દૂરંદેશી માટે આગળ વધી રહ્યું છે. તેમણે નોંધ્યું કે ક્લાયમેન્ટ ચેન્જ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારત આજે વિશ્વનાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન ધરાવે છે.

વડાપ્રધાને ક્લાયમેન્ટ ચેન્જ સામેની લડતમાં સરકારનાં નરમ અને કડક અભિગમને અંગે પણ જણાવ્યું હતું કે છેલ્લા ૬-૭ વર્ષમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા ૨૫૦ ટકા વધી છે. ભારત આજે સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં વિશ્વનાં ટોચનાં પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે. છેલ્લા ૬ વર્ષમાં સૂર્ય ઉર્જાની ક્ષમતા ૧૫ ગણી વધી છે.

વડાપ્રધાને પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું કે સરકારનાં નરમ અભિગમને કારણે આજે દેશમાં સામાન્ય માનવી પ્લાસ્ટીકનાં વપરાશથી દૂર રહેવું કે સ્વચ્છ ભારત ઝૂંબેશમાં જાેડાઈ શક્યા છે. તેમણે જણાવ્યું કે ૩૭ કરોડ એલઈડી બલ્બસ અને ૨૩ લાખ ઉર્જા કાર્યદક્ષ પંખાઓની અસર વિશે ચર્ચા કરવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેકશન અને સૌભાગ્ય યોજના હેઠળ વીજ જાેડાણો ગરીબોને પૂરા પાડતા તેમનું લાકડા પરનું ભારણ ઘટ્યું છે. પ્રદૂષણ ઘટવા ઉપરાંત આ યોજનાઓથી પર્યાવરણ સંરક્ષણ પણ શક્ય બન્યું છે.

તેમણે ઉમેર્યું કે અર્થતંત્ર અને પર્યાવરણ બંને સાથે ચાલીને આગળ વધી શકે છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતનાં વનોમાં ૧૫ હજાર સ્કવેર કિલોમીટર્સનો વધારો થયો છે. આ ઉપરાંત વાઘ અને ચિત્તાની સંખ્યામાં પણ વધારો થયો છે.

વડાપ્રધાને જણાવ્યું કે આર્ત્મનિભર ભારતનાં ઘણા અગત્યનાં ભાગ તરીકે સ્વચ્છ અને કાર્યદક્ષ ઉર્જા પ્રણાલિઓ ઉચ્ચ શહેરી આંતરમાળખું અને આયોજનબધ્ધ ઈકો રિસ્ટોરેશન મહત્વનાં છે. તેમણે જણાવ્યું કે પર્યાવરણ અંગેનાં વિવિધ પ્રયાસોને કારણે ભારતમાં રોકાણની નવી તકોનું નિર્માણ થયું છે. તેમણે જણાવ્યું કે હવાનાં પ્રદૂષણને નાથવા માટે ભારતે નેશનલ ક્લીન એર પ્લાનની સર્વાંગી યોજના ઘડી છે. આજે દેશમાં મેટ્રો રેલની સેવા પાંચ શહેરમાંથી વધીને ૧૮ શહેરો સુધી વિસ્તરણ પામતા અંગત વાહનોનો વપરાશ ઘટ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું કે ભારતનાં રેલ્વે નેટર્વકનો મોટો ભાગ આજે વિદ્યુતીકરણ પામ્યો છે. એરપોર્ટસ પણ સૂર્ય ઉર્જા દ્વારા વીજળી મેળવી શકે છે. તેમણે જણાવ્યું કે, ૨૦૧૪ પહેલા માત્ર સાત એરપોર્ટસમાંજ સૂર્ય ઉર્જાની સુવિધા હતી. જે આજે ૫૦થી પણ વધારે એરપોર્ટસમાં છે.
વડાપ્રધાને જણાવ્યું કે કેવડિયાને ઈલેકટ્રીક વ્હિકલ સિટી તરીકે વિકસાવવાનો પ્રોજેક્ટ કાર્યરત છે. તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં બેટરી આધારિત બસો, દ્વિચક્રી અને ચાર ચક્રી વાહનો કેવડિયામાં ચાલતા હશે. તેમણે જણાવ્યું કે જલ જીવન મિશન દ્વારા જળ સંશોધનોનાં સર્જન અને સંરક્ષણ માટે સરકાર કાર્યરત છે.

તેમણે જણાવ્યું કે અટલ ભૂજલ યોજના અને કેચધ રેઈન જેવી ઝુંબેશો દ્વારા જમીનમાં પાણીનાં સ્તરને ઊંચા લાવવામાં આવશે. વડાપ્રધાને તેની પણ ઘોષણા કરી હતી કે સરકારે ૧૧ સેકટરોને પસંદ કર્યા છે કે જે આધુનિક ટેકનોલોજી દ્વારા સંશોધનોનો રિસાયકલીંગ દ્વારા સારો વપરાશ કરી શકે. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષમાં કચરાથી કંચન ઝુંબેશમાં સારું કાર્ય થયું છે. તેમણે જણાવ્યું કે, ક્લાયમેટને બચાવવા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેનાં આપણા પ્રયાસોનું આયોજન કરવું અગત્યનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.