Western Times News

Gujarati News

નિરવ મોદીની સચીન સેઝમાં ૨૩૦ કરોડની જ્વેલરીની વેલ્યુ માત્ર ૨૦ કરોડ નીકળી

સુરત: પીએનબી સાથે ૧૧૦૦૦ કરોડનો ગોટાળો કરી વિદેશ ભાગી ગયેલા નિરવ મોદીનો સચિન સેઝમાં માલ સીઝ કરાયો હતો. જેમાં કંપનીના મેનેજરોએ ૨૩૦ કરોડનો હોવાનું જણાવ્યું હતું. ૮ મહિના પહેલાં તેનું વેલ્યુએશન કરાતા આ માલ માત્ર ૨૦ કરોડનો જ હોવાનું ખુલ્યું હતું.

કૌભાંડી મેહુલ ચોક્સી અને નિરવ મોદીને લંડનથી ભારત પરત લાવવા ભારતે બ્રિટનની કોર્ટમાં પ્રત્યાર્પણ માટે જરૂરી પુરાવા રજૂ કરતાં પૂર્વે બંનેની કંપનીઓમાં પડેલા માલનું વેલ્યુએશન કરાયું હતું. નિરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીમાંથી સીબીઆઈ અને ઈડીને સારી એવી રિકવરી થશે તેવી અપેક્ષા હતી.

સુરતના જ્વેલરી એસોસિએશન સાથે સંકળાયેલા મોટા જ્વેલર્સ પાસે ઈડી દ્વારા સચિન સેઝમાં નિરવ મોદીની બે કંપનીઓનું સીલ ખોલાવી માલનું વેલ્યુએશન કરાયું હતુ. સેઝમાંથી જે માલ સીઝ કરાયો તેમાં ૭૦ ટકા માલ સિન્થેટિક હીરા હતા. સુરતના વેલ્યુઅરે સતત ૧૨ કલાક સુધી વેલ્યુએશન કર્યુ હતુ. જેમાં ૭૦ લોટમાં ૫ કિલો જ્વેલરી હતી. ઈડીના બે અધિકારીએની દેખરેખ હેઠળ આ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરીને ઈડીને સોંપવામાં આવ્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ૨૩૦ કરોડનો દર્શાવવામાં આવેલો માલ ૨૦ કરોડનો છે.

અને તેમાં પણ ૭૦ ટકા સીવીડી ડાયમંડ છે. સ્ટડેડ જ્વેલરી અને નેચરલ ડાયમંડનો માલ માત્ર ૩૦ ટકા છે. નીરવ મોદીની કંપનીના મેનેજરોએ સુરતમાં તેની કંપનીઓ પાસે ૨૩૦ કરોડનો માલ પડ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમાંથી ૫૦૦ હીરાજડિત વીટી, સ્ટડેડ જ્વેલરી અને ડાયમંડનું વેલ્યુએશન કરતા બધુ મળીને માત્ર ૨૦ કરોડનો માલ હોવાનું વેલ્યુઅરે રિપોર્ટ આપતા ઇડીના અધિકારી ચોંકી ઉઠ્‌યા હતા. વેલ્યુઅરનો રિપોર્ટ ઇડી અને સીબીઆઇએ નાણામંત્રાલય અને આરબીઆઇને મોકલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.