Western Times News

Gujarati News

ભાજપ પ્રભારીની મુલાકાત બાદ ગુજરાતમાં બદલાવના સંકેત

વર્ષ ૨૦૧૭ની ચૂંટણીના સવા વર્ષ પહેલાં પણ આ જ રીતે પ્રભારીએ બેઠકો યોજી હતી અને સેન્સ લીધી હતી

અમદાવાદ, ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની બે દિવસીય મુલાકાતે ગુજરાતના રાજકારણમાં અટકળોને વેગ આપ્યો છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પહેલાની મુલાકાતે વર્ષ ૨૦૧૬ ના આવા જ દિવસોની યાદ અપાવી છે. પ્રદેશ પ્રભારી એ બે દિવસ દરમિયાન કોર કમિટીના સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને ત્યારબાદ સરકાર તેમજ સંગઠનના વરિષ્ઠ ચહેરાઓ સાથે વન ટુ વન મુલાકાત કરીને સેન્સ લીધી હતી.

વર્ષ ૨૦૨૨ની ચૂંટણી પહેલા સંગઠન અને સરકારની કામગીરી ની સમીક્ષા કરાઈ તો સાથે જ વરિષ્ઠ આગેવાનોનો મત જાણ્યો હતો. પ્રભારીની મુલાકાતને ભલે રૂટિન મુલાકાત ગણાવાઈ રહી હોય પણ ભાજપના વરિષ્ઠ આગેવાનોની વાત માનીએ તો આ બેઠકો સામાન્ય નથી. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીના સવા વર્ષ પહેલાં પણ આ જ રીતે પ્રભારીએ બેઠકો યોજી હતી

અને સેન્સ લીધી હતી. જે બાદ તત્કાલીન મુખ્યમંત્રીનું રાજીનામું લેવાયું હતું. જાે કે તે વખતે પાટીદાર અનામત આંદોલનનું કારણ આગળ ધરાયુ હતું. આ વખતે પણ પ્રભારીની મુલાકાત બાદ વધુ એક વાર રાજકિય અટકળો એ જાેર પકડ્યું છે.. જાે કે સરકારના સિનિયર મંત્રીઓ આનાથી વિપરીત મત ધરાવે છે. તેમની વાત સાચી માનીએ તો હાલની સ્થિતિમાં કોઈ મોટો બદલાવ થાય તેમ નથી પણ મંત્રીમંડળની ખાલી જગ્યાઓ ભરાઈ શકે છે.

ભાજપની આ કવાયત અંગે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ માને છે કે ભાજપ જે દેખાડે છે તે ક્યારેય હોતું નથી. પ્રભારીની બેઠકોને ભાજપ ભલે સામાન્ય બેઠક ગણાવે પણ તે સામાન્ય નથી. તેમના મતે હાલની સ્થિતિમાં ભાજપ મુખ્યમંત્રી બદલે તેવા સંકેતો દેખાતા નથી પણ મંત્રીમંડળમાં ચોક્કસ વિસ્તરણ થઈ શકે છે.

જે સમાજને પ્રતિનિધિત્વ નથી આપી શકાયું તેમને સ્થાન મળે તેવી પુરી શક્યતાઓ છે. જાે કે ભાજપના રાજકારણમાં ક્યારે કઈ અટકળ સાચી સાબિત થાય તે કહેવું અઘરું છે પણ ભાજપની હાલની આ કવાયત વર્ષ ૨૦૨૨ની ચૂંટણીલક્ષી છે તેમાં કોઈ બે મત નથી.

સુત્રોની વાત માનીએ તો કોરોનાની બીજી લહેરની સ્થિતિ બાદ ભાજપ સંગઠન અને સરકાર ચોક્કસ પોતાની છબી સુધારવા માંગે છે અને આ કવાયત તેનું જ સ્વરૂપ છે. દિલ્લી જતા પહેલા ભાજપ પ્રભારી એ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સાથે અલગ બેઠક કરીને સીધો સંકેત આપ્યો છે. ત્યારે હવે જાેવાનું એ રહેશે કે ૧૫ જૂનની ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપમાં કયા ફેરફારો જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.