Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનના ૬ર૦૦ સફાઈ કામદારોની વારસાઈ માંગણી સ્વીકારાશે

ત્રણ ડે. મ્યુનિ. કમિશ્નરોએ સમાધાન દરખાસ્ત પર સહી કરી ઃ મ્યુનિ. કમિશ્નરની સહી બાદ સ્ટેન્ડીંગ સમક્ષ દરખાસ્ત રજુ થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા અંદાજે ૬ર૦૦ જેટલા સફાઈ કર્મચારીઓએ વારસાઈ સહીતની માંગણીઓના ઉકેલ માટે ડીસેમ્બર- ર૦ર૦માં હડતાળ પાડી હતી તે સમયે મ્યુનિ. કમિશ્નર દ્વારા ત્રણ ડે. મ્યુનિ. કમિશ્નરોની ખાસ કમીટી બનાવવા આવી હતી અમદાવાદ શહેર વાલ્મિકી એકતા સમીતીના હોદ્દેદારો ડે. મ્યુનિ. કમિશ્નરો વચ્ચે મીટીંગ થઈ હતી

જેમાં નકકી કરવામાં આવેલી ફોમ્ર્યુલાનો મ્યુનિ. હોદ્દેદારો દ્વારા મૌખિક સ્વીકાર કરવામાં આવ્યો છે જે અંગે મ્યુનિ. કમિશ્નરની સહી બાદ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી શકે છે.

મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની પડતર માંગણી અને સમાધાન અંગે વધુ માહિતી આપતા ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રમુખ સુનિલભાઈ વાઘેલા અને કર્ણાવતી યુનિયનના અધ્યક્ષ નરેશભાઈ પરમારે જણાવ્યુ હતું કે મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ર૦૧૬ અને ર૦૧૭માં જુદા-જુદા ઠરાવ કરીને હંગામી/ અંશકલીત સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા હતા.

મનપા દ્વારા અંદાજે ૬ર૦૦ જેટલા કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા હતા પરંતુ તેમને અન્ય કર્મચારીઓની જેમ વારસાઈના લાભથી વંચિત રાખવામાં આવ્યા હતા. મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ યુનિયનો દ્વારા ૬ર૦૦ કર્મચારીઓને વારસાઈ સહીતના અન્ય લાભો મળે તે માટે વારંવાર રજુઆત કરવામાં આવતી હતી પરંતુ તેનો નક્કર ઉકેલ આવ્યો ન હતો.

ડીસેમ્બર-ર૦ર૦માં ગુણવંતભાઈ ખત્રી નામના અગ્રણી નેતાએ ઝેરી દવા પી ને વિરોધ વ્યકત કર્યો હતો. જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનના તમામ યુનિયનો એક જ નેજા હેઠળ એકત્રિત થયા હતા તથા ૬ર૦૦ કર્મચારીઓના હક્ક માટે લડત ચલાવી હતી. મ્યુનિ. કમિશ્નરે સફાઈ કામદારોની હડતાળનો સુખદ અંત આવે તે માટે ડે. મ્યુનિ. કમિશ્નર કક્ષાના ત્રણ અધિકારીઓની કમીટીની રચના કરી હતી. સદર કમીટી અને અમદાવાદ શહેર વાલ્મિકી એકતા સમિતિના હોદ્દેદારો વચ્ચે બેઠક થઈ હતી

જેમાં ચૂંટણી બાદ મળનાર પ્રથમ સ્ટેન્ડીંગ સમક્ષ દરખાસ્ત રજુ કરવા નિર્ણય થયો હતો જાેકે પ્રક્રિયા લાંબી હોવાથી તેમાં થોડો વિલંબ થયો છે પરંતુ તેનો સુખદ અંત આવ્યો છે. મ્યુનિ. હોદ્દેદારોએ પણ ૬ર૦૦ કર્મચારીઓને વારસાઈનો લાભ આપવા તૈયારી દર્શાવી છે. તદપરાંત જેમના નામ કમી થયા હોય તેમને પરત લેવા માટે પણ રજુઆત થઈ હતી તેના માટે પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ અંગેની તૈયાર દરખાસ્ત પણ ત્રણ ડે. મ્યુનિ. કમિશ્નર દ્વારા સહી કરવામાં આવી છે. મ્યુનિ. કમિશ્નરની સહી થયા બાદ દરખાસ્તને સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.