Western Times News

Gujarati News

મમતા બેનર્જીએ કોરોનાની બીજી લહેર માટે મોદી સરકારને જવાબદાર ગણાવી

કોલકતા: છેલ્લા કેટલાક મહિનાઓથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે રાજકારણ, હોનારત, સ્વાસ્થ્ય સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ગરમાવો વ્યાપેલો છે અને બંને એકબીજાને ટાર્ગેટ કરવાની કોઈ તક નથી છોડતા. ભાજપના નેતા જેપી નડ્ડાએ તાજેતરમાં જ કોરોના વાયરસ વેક્સિનને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ત્યારે મમતા બેનર્જી આ નિવેદનના કારણે ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે કોરોના મહામારીની બીજી લહેર માટે કેન્દ્રની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી હતી.

જેપી નડ્ડાએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે પહેલા વેક્સિનેશનને લઈ રાજનીતિ કરી રહ્યા હતા તેઓ હવે પોતે જ વેક્સિન લેવા મથામણ કરી રહ્યા છે. આ મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું કે, મને સમજાતું નથી કે, આખરે કેમ નડ્ડા આ પ્રકારની વાત કરી રહ્યા છે. શું તેમને ખબર છે કે, તેમની બેદરકારી અને ફક્ત બંગાળના રાજકારણ, ચૂંટણીમાં તેમણે રસ દાખવ્યો એટલે જ આ સ્થિતિ સર્જાઈ છે. બંગાળ ચૂંટણી બાદ પણ તેઓ બંગાળને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

મમતાએ ૬થી ૮ મહિના દરમિયાન ભાજપે શું કર્યું તેવો સવાલ કર્યો હતો અને સાથે જ તેમણે કશું ન કર્યું તેવો જવાબ પણ આપ્યો હતો. આ સાથે જ તેમણે ભાજપને કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ગણાવ્યું હતું. વધુમાં ગુજરાત સહિતના ભાજપશાસિત રાજ્યોમાં સરખી રીતે વેક્સિન આપવામાં આવી અને પાર્ટીના કાર્યાલયો વેક્સિન વહેંચી રહ્યા હતા જ્યારે બાકીનાઓને સરખી રીતે વેક્સિન ન અપાઈ તેવો આરોપ મુક્યો હતો અને ભાજપને બધા માટે એક મહામારી સમાન ગણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.