Western Times News

Gujarati News

વાસણામાં સગીરાનું શંકાસ્પદ મોત

મોડી રાત્રે સગીરા ધાબા પરથી પટકાઈ  : મરતા પહેલા સગીરાએ એક શખ્સનું નામ લેવા છતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરતા સ્થાનિક નાગરિકોમાં રોષ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લુખ્ખા અને આવારા તત્ત્વો ત્રાસથી યુવતિઓ અને સગીરાઓ અસલામત બની ગઈ છે શહેરમાં ખુલ્લેઆમ શારીરિક છેડછાડની ઘટનાઓથી વાલીઓ ચિંતિત બન્યા છે આવારાતત્વો સગીરાઓને રસ્તા પર આંતરી ધાકધમકી આપી છેડછાડ કરી રહયા છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના વાસણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં એક સગીરાનું ધાબા પરથી પટકાતા શંકાસ્પદ મોત નીપજયું છે

આ ઘટનામાં હાલ વાસણા પોલીસ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ કરી રહી છે જયારે મૃતક સગીરાની માતા ચોંકાવનારા આક્ષેપ કરી રહી છે આ સમગ્ર ઘટનામાં એક સ્થાનિક યુવક પર આક્ષેપો કરવામાં આવ્યા છે

પરંતુ પોલીસ કોઈ જ કાર્યવાહી નહી કરતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં યુવતિઓ અને સગીરાઓ અસલામાત બનવા લાગી છે પોલીસની ત્વરિત કામગીરીના અભાવે આવા તત્વોને છુટોદોર મળી રહયો છે

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સતીષ પટણી નામના શખ્સ સામે અનેક ફરિયાદો છતાં પોલીસે કોઈ કાર્યવાહી નહી કરતા ર૦ દિવસની બાળકીએ જીવ ગુમાવ્યો છે આ ઘટનાથી સમગ્ર પોલીસ તંત્ર પર આક્ષેપો થતાં હવે પોલીસતંત્ર સફાળુ જાગ્યુ છે

આવી ગંભીર ઘટનાઓ છતાં હજુ પણ પોલીસ સક્રિય રીતે શહેરમાં આવા કેસોમાં કામ નહી કરતી હોવાના આક્ષેપો થયા છે  શહેરના વાસણા વિસ્તારમાં ભવાનીનગરમાં જી-૩૦૧માં રહેતી દિવ્યાની વિજયભાઈ દતાણી નામની ૧ર વર્ષની સગીરા થોડા દિવસ પહેલા ધાબા પર ગઈ હતી રાત્રિના સમયે તે ધાબા પરથી પટકાતા ગંભીર હાલતમાં ૧૦૮ એમ્બુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી

બાળાને વી.એસ.હોસ્પિટલમાં સિવિલ લઈ જતી વખતે હાલત વધુ ગંભીર બનતા તેનું મોત નીપજયું હતું બાળાની સાથે ૧૦૮ ના ડોકટરો તથા બાળાના પરિવારજનો પણ હતા. મરતા પહેલા બાળાએ ગબ્બર નામના શખ્સનું નામ લીધુ હતું તેઓ આક્ષેપ મૃતક દિવ્યાનીની માતાએ કર્યો છે અને તેણે એમ પણ જણાવ્યું છે કે મરતા પહેલા તેણે આ નામ ૧૦૮ના ડોકટરો સમક્ષ લીધુ હતું આમ મરતા પહેલા દિવ્યાનીનું આ નિવેદન ખૂબ જ ચોંકાવનારુ હતું સગીરાના મૃત્યુ બાદ વાસણા પોલીસ પણ આવી પહોચી હતી.

આ સમયે મૃતકની માતાએ પોલીસને સમગ્ર ઘટના જણાવી હતી અને તેણે મરતા પહેલા આપેલા નિવેદન વિશે પણ જણાવ્યું હતું પોલીસે આ નિવેદનને ધ્યાનમાં લીધા વગર હાલમાં માત્ર ને માત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હોવાનો આક્ષેપ માતાએ કર્યો છે


તેણે એમ પણ જણાવ્યું હતું કે ગબ્બરની બેન કોમલે તેને ધાબા પર બોલાવી હતી અને ત્યારબાદ શંકાસ્પદ હાલતમાં તે ધાબા પરથી પટકાઈ હતી. મરતા પહેલા દિવ્યાનીએ આપેલા આ નિવેદન સમયે ૧૦૮ એમ્બ્યુલન્સમાં તેના ડોકટર પણ હાજર હતાં ચોંકાવનારી આ ઘટના બાદ પણ પોલીસ કોઈ કાર્યવાહી નહી કરતી હોવાથી મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જાવા મળી રહયો છે બીજીબાજુ આ ઘટના બાદ પોલીસે હજુ સુધી ગબ્બર નામના શખ્સની કોઈ તપાસ કરી નથી

જેના પરિણામે પોલીસ કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા છે બીજીબાજુ પોલીસે ૧૦૮ના ડોકટરની પુછપરછ કરી છે કે નહી તે અંગે સત્તાવાર રીતે હજુ કશું જાણવા મળ્યુ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે ૧ર વર્ષની સગીરાએ જીવ ગુમાવ્યો છે અને તે રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ધાબા પર કેમ ગઈ તે અંગે પણ તપાસ કરવી જરૂરી છે. માતાના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે અને આરોપીઓ વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરે તો સાચી વિગતો બહાર આવે તેમ છે.

વાસણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ભટ્ટને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે અને તેઓ ઝીણવટભરી રીતે તપાસ કરી રહયા છે અને ટુંક સમયમાં જ સમગ્ર ઘટનાની સાચી વિગતો બહાર આવશે તેવુ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.